અજય દેવગણની ફિલ્મ મેદાન ઘણા વિલંબ પછી રિલીઝ થઈ રહી છે અને રિલીઝ પહેલા જ ફિલ્મ ફરી એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. હા, અમિત શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મેદાન’ તેની રિલીઝ પહેલા કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. કર્ણાટકના સ્ક્રિપ્ટ રાઈટરે આ ફિલ્મ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. જ્યારે આ મામલો મૈસૂર કોર્ટમાં પહોંચ્યો, ત્યારે મૈસૂરની મુખ્ય જિલ્લા અને સેશન્સ કોર્ટે વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી અજય દેવગન સ્ટારર ફિલ્મની રિલીઝને રોકવાનો નિર્ણય લીધો છે.
લેખકે 2010માં સ્ટોરી લખી હતી
એક અહેવાલ અનુસાર, સ્ક્રિપ્ટ રાઈટર અનિલ કુમારે દાવો કર્યો છે કે, ભારતીય ફૂટબોલ ટીમને 1950માં ફિફા વર્લ્ડ કપમાંથી બહાર કાઢવા પર તેમણે 2010માં એક સ્ટોરી લખી હતી અને તે જ સ્ટોરી બોમ્બેમાં સ્ક્રીન રાઈટર્સની સાથે પદંકુડા (Paadanduka) ટાઇટલ સાથે સબમિટ કરવામાં આવી હતી. તેમજ તેમણે આ સ્ટોરીને લિંક્ડઇન પર પોસ્ટ પણ કરી હતી.
અનિલ કુમારે દાવો કર્યો કે ‘મેદાન’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર સુખદાસ સૂર્યવંશીએ 2019માં અનિલ કુમાર સાથે વાત કરી હતી અને તેમણે વચન આપ્યું હતું કે, તે મને આમિર ખાન સાથે પરિચય કરાવશે. પરંતુ કેટલાક કારણોસર હું મળી શક્યો નહીં. તેમણે મને સ્ક્રિપ્ટ સાથે બોમ્બે બોલાવ્યો, તેથી મેં તેને સ્ટોરી આપી અને તેને સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં રજીસ્ટર કરાવી.
જે બાદ મેં સાંભળ્યું કે ફિલ્મ ‘મેદાન’ આવી રહી છે. મને આશ્ચર્ય થયું કારણ કે, આ મારી સ્ટોરી છે. જ્યારે મેં ટીઝર અને તેમના નિવેદનો સાંભળ્યા, ત્યારે મને ખબર પડી કે, આ મારી સ્ટોરી છે. તેમણે મુખ્ય સ્ટોરીને થોડી ટ્વિસ્ટ કરી દીધી છે.
જે બાદ અનિલ કુમારે પોતાના વકીલ ઈયાનાની મદદથી મૈસુરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ફિલ્મની રિલીઝ સામે કાયમી મનાઈ હુકમની માંગણી કરી હતી. કોર્ટે 8 એપ્રિલે ઝી સ્ટુડિયોને બોલિવૂડ ફિલ્મની રિલીઝ રોકવાનો આદેશ આપ્યો હતો.
હવે મૈસુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આગામી સુનાવણી 24 એપ્રિલના રોજ નક્કી કરી છે.
એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘મેદાન’ દેશના સૌથી લોકપ્રિય ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમણે પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું હતુ અને ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું. ફિલ્મમાં અજય દેવગણે સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, પ્રિયામણી, ગજરાજ રાવ અને બંગાળી અભિનેતા રુદ્રનીલ ઘોષ જોવા મળશે.