જુદા જુદા અકસ્માતોમાં ૭૫નો ભોગ લેવાયો હોવા છતાં તંત્ર ઊંઘમાં

વીરપુરની દેવપરા ચોકડીએ વારંવાર અકસ્માત થવા છતાં અન્ય જગ્યાએ ફલાય ઓવર બનાવવાની તજવીજથી લોકોને આશ્ચર્ય

વિરપુર (જલારામ): સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર ગામને અડીને પસાર થતા નેશનલ હાઇવે માર્ગ નં.૨૭ ની બસ સ્ટેન્ડ પાસે દેવપરા ચોકડી તેમજ સૌભાગ્ય હોટલ પાસેની વીરપુર-જેતપુર બાયપાસ ચોકડી અવારનવાર બનતા  અકસ્માતોમાં ૭૫ લોકોએ જાન ગૂમાવી દીધા છે. અહી તેમજ વીરપુરના ગામ પ્રવેશ પાસે ફલાઈ ઓવર બનાવવાની માગ ઉઠી છે.

વિરપુર બસ સ્ટેન્ડ પાસે દેવપરા ચોકડી પાસે પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા આવતા લાખો યાત્રાળુઓ તેમજ વિરપુરના બહારગામ જતા રોજીંદા અપ-ડાઉન કરતા લોકો, ડેઇલી રોડ ક્રોસ કરતા વિદ્યાર્થી બાળકો તેમજ ખેડુત લોકોને પ્રાઇવેટ વાહનમાં જવા માટે હાલમાં આ ચોકડીમાં પુષ્કળ પ્રમાણમાં માનવ મહેરામણની હલન-ચલન રહે છે. ત્યારે રાજકોટ-જુનાગઢને જોડતો તેમજ રાજકોટ-પોરબંદરને જોડતો નેશનલ હાઇવે નં.૨૭ આ ચોકડીમાંથી પસાર થતો હોય અને વાહનો પુરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ દોડતા હોય અત્યાર સુધીમાં ૫૦ થી ૭૫ લોકોને અકસ્માતમાં પોતાની જીંદગી ગુમાવવી પડી છે .અને અસંખ્ય લોકોને ઇજા થઇ છે. આવી પરિસ્થિતીમાં નેશનલ હાઇવે ક્રોસ કરવા જતા લોકો માટે વાહનો કાળ બનીને જીંદગીનું જોખમ વધારી રહ્યા છે. 

હાલ હાઈવે નં.૨૭ રાજકોટ જેતપુર સિક્સ લેન બનાવવાની કામગીરી શરૂ છે ત્યારે રોડની સામેની સાઇડ દેવપરાનો મોટો રહેણાંક વિસ્તાર તેમજ જી.ઇ.બી.નું સબ સ્ટેશન આવેલુ છે. દેવપરાના અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થી બાળકો વિરપુરમાં ભણવા જવા માટે તેમજ આ રહેણાંક વિસ્તારના જીવન જરૂરી વસ્તુઓ માટે ગામમાં અને બહારગામ જવા માટે ફરજીયાત આ નેશનલ હાઇવે પસાર કરવો પડે છે.ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મજુરો તેમજ રાહદારીઓને ફરજીયાત આ નેશનલ હાઇવે ક્રોસ કરીને પસાર કરવો પડે છે. જેથી આ લોકો માટે જીવનું જોખમ કાયમી માટે રહેલું છે. વિરપુરની ઉપરોકત બંને ચોકડી પાસે ફલાય ઓવર બનાવવામાં આવે તો જોખમ ઘટી જાય તેમ છે.

 હાલમાં જે ફલાય ઓવર ગોંડલ રોડ, હોટલ રવી પાસે બનાવવામાં આવેલ છે તે બિન ઉપયોગી અને ખોટી જગ્યાએ બનાવવામાં આવેલ છે. તેવો ફલાય ઓવર ખરેખરતો દેવપરા-બસ સ્ટેન્ડ ચોકડી અને વિરપુર-જેતપુર બાયપાસ ચોકડી બનાવવાની જરૂરીયાત હતી. પરંતુ અનેકવાર રોડ ખાતા દ્વારા નાંખેલી લાઇટો રાત્રીમાં મહદ અંશે બંધ રહેતી હોવાથી સાથે સાથે ઉપરોકત દેવપરા-બસ સ્ટેન્ડ ચોકડી પાસે અવાર-નવાર નાના અકસ્માતો કાયમી બની રહેલ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *