બંને આરોપીઓની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી
આરોપીઓને 24 કલાકમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા
આરોપીઓએ ચોરી કરેલા સોનાના તમામ દાગીના મણિનગર પોલીસે રિકવર કર્યા

પૂર્વ અમદાવાદના પોશ વિસ્તાર મણિનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ મણીનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે. બે રીઢા ગુનેગારોએ ગુજરાન ચલાવવા માટે એક ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરી હતી. ચોરી કરેલો મુદ્દામાલ આરોપીઓ સગેવગે કરે તે પહેલા જ મણીનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓ અગાઉ પાસા એક્ટ હેઠળ સજા ભોગવી બહાર આવ્યા

આ આરોપીઓના નામ પ્રકાશ ઉર્ફે પક્કો દેવીપુજક તેમજ ભરત દેવીપુજક છે અને આ બંને આરોપીઓની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ જૂન મહિનામાં જ પાસા એક્ટ હેઠળ સજા કાપીને બહાર આવ્યા હતા અને 20 જુલાઈએ મણીનગરના સુરભી એપાર્ટમેન્ટમાં એક ઘરમાં ગેલેરીમાંથી પ્રવેશ કરી આ બંને આરોપીઓએ 8.69 લાખથી વધુ મત્તાની ચોરી કરી હતી. જે મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં અનુરાગ પાંડે નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસને સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ મળી આવ્યા હતા, જેના આધારે અન્ય ટેકનીકલ એનાલિસિસ કરતા આરોપીઓને 24 કલાકમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

બંને આરોપીઓ ફ્લેટમાં જ ચોરી કરવાનું પસંદ કરતા

ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે, તેમની સામે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ ચોરી તેમજ મોબાઈલ ફોનની ઉઠાંતરી કરવામાં માહેર છે. જેના કારણે બંને આરોપીઓને બે વખત પાસાની સજા પણ કરવામાં આવી છે, બંને આરોપીઓ ફ્લેટમાં જ ચોરી કરવાનું પસંદ કરતા હતા, કારણ કે ફ્લેટમાં એક ઘરમાંથી બીજા ઘરમાં જવું સરળ હોય છે. જેને કારણે ચોરી કરવામાં તેમને સફળતા મળતી હતી. 20 જુલાઈએ આરોપીઓ જ્યારે ફ્લેટમાં ટાર્ગેટ કરેલ મકાનમાં ચોરી કરવા માટે ગયા હતા, ત્યારે મકાન માલિક જાગી ગયો હતો. જેને કારણે બંને આરોપીઓ ત્યાંથી ભાગીને અન્ય મકાનમાં જઈને ચોરી કરી હતી. આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ તેમના ઘરમાં તેમજ તેની બાજુના બંધ મકાનમાં રાખ્યો હતો, જેને મણીનગર પોલીસે રિકવર કર્યો છે.

રોકડ રકમ આરોપીઓએ મોજશોખ માટે વાપરી નાખી

આરોપીઓએ ચોરી કરેલા સોનાના તમામ દાગીના મણિનગર પોલીસે રિકવર કર્યા છે, જ્યારે રોકડ રકમ આરોપીઓએ મોજશોખ માટે વાપરી નાખી છે. આ રકમ આરોપીઓએ ક્યાં વાપરી તેમજ ચોરી કરવા માટેની સાથે અન્ય કોઈ આરોપી હતો કે કેમ. આ સાથે જ જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં મણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *