અમદાવાદ, સોમવાર
દોઢ મહિના પહેલા નરોડા જીઆઇડીસીમાં વૃદ્ધાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ બનાવમાંં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે આરોપીને નારોલ પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં મૃતક વૃદ્ધાએ આરોપીની પત્નીને તેની જાણ બહાર બીજી વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હોવાથી અદાવત રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દુપટ્ટાથી વૃદ્ધાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પુરાવાનો નાશ કરવા લાશને ઝાડીમાં નાંખીને આરોપી નાસી ગયો હતો
દોઢ મહિના પહેલા નરોડામાં રહેતી વૃદ્ધાની હત્યા કરેલી લાશ નરોડા જીઆઇડીસી પાસે ઝાડીમાંથી માળી હતી. જેથી આ બનાવ અંગે જે તે સમયે નરોડા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોધીને તપાસ શરૃ કરી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપીને નારોલમાંથી ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ કરતા વૃદ્ધા નરોડા જીઆઇડીસી પાણીની ટાંકી પાસે ઝાડીઓમાં લાકડાનો ભારો લઇને ઉભા હતા.
ત્યારે આરોપી ત્યાં જતો હતો અને તેની પત્નીને તેની જાણ બહાર આ વૃદ્ધાએ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા જેને લઇને ઉશ્કેરાઇને તેમને મોઢાના ભાગે માર મારીને નીચે પાડીને દુપટ્ટા વડે ગળુ દબાવીને હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે આરોપી લાશને ઢસડીને ઝાડીઓમાં નાખીને ભાગી ગયો હતો. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.