Ahmedabad: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ગોળીબારની ઘટનાઓના અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ગોળીબારની ઘટના બની છે. શહેરના નરોડાના વિસ્તારમાં ગોળીબારની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ બે રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સ્મૃતિનાથ સોસાયટી નજીક બની ઘટના
શહેરના હંસપુરામાં સ્મૃતિનાથ સોસાયટી નજીક ગોળીબારની ઘટના બની છે. જેમાં બાઈકચાલક પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજુ સુધી ક્યા કારણોસર ગોળીબાર કરવામાં આવ્યો તે અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
અગાઉ બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી
અગાઉ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.