Lok Sabha Elections 2024: એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈને નારાજગી યથાવત છે તે પાછળનું કારણ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદન છે. ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ઉગ્ર બની છે અને રાજ્યભરમાં ઠેર-ઠેર દેખાવ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવ કર્યો છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રાજ શેખાવતની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. અગાઉ એરપોર્ટ પરથી તેમણે વીડિયોમાં આત્મવિલોપન કરવા મજબૂર ન કરો તેમ જણાવ્યું હતું.
મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો : રાજ શેખાવત
રાજશેખાવતે એક વીડિયોમાં જણાવ્યું કે ‘હાલ હું અમદાવાદ એરપોર્ટ પર છું અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો, હું સમાજ માટે શહીદ થવા તૈયાર છું પણ જો શેખાવતને શહીદ થવાનો વારો આવ્યો તો ભાજપ સરકારે સત્તા જિંદગીભર ભૂલી જવી પડશે.અમને કમલમ સુધી જવા દો અને ત્યા સુધીને રસ્તો સાફ કરી દો, અમારે રૂકાવટ જોઈતી નથી.’ ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કમલમ ખાતે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.’
પ્રજ્ઞાબા ઝાલા પણ ત્રણ દિવસથી નજરકેદ
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબા ઝાલાનો જૌહર અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે જૌહર કરીશું. અમે જૌહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે.’ તેમણે ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, તેઓ ત્રણ દિવસથી નજરકેદ છે. આ વચ્ચે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં ટિકિટ રદ ન કરવા અને અમે રૂપાલાનાં સમર્થનમાં છીએ એવા લખાણ સાથેના બેનર લાગ્યા છે.