Lok Sabha Elections 2024: ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ઠેર-ઠેર રૂપાલાના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે અને તેમની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગ કરી રહ્યા છે. જેને લઈને આજે (મંગળવાર) રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રૂપાલા મામલે સુખદ નિરાકરણ આવે તેવી અપીલ કરી હતી.
હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નથી: માંધાતાસિંહજી જાડેજા
રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘રૂપાલાનું નિવેદન સાંભળીને મને આઘાત લાગ્યો. ભારતના બંધારણે આપણને બોલવાની છૂટ આપી છે તેનો મતલબ એવો નથી કે મનફાવે તેવો શબ્દ પ્રયોગ કરીએ. રૂપાલાએ અનેક વખત આ અંગે માફી પણ માંગી છે. ક્ષત્રિય સમાજની બહેનોએ જાહેરમાં વિરોધ કરવો પડે તે બાબતનું રંજ છે. હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નથી. ક્ષત્રિય સમાજની સાથે છું અને એટલે જ મારી વેદના વ્યક્ત કરું છું. તેથી ક્ષત્રિય સમાજ દ્વારા સરકાર સાથે વાદવિવાદમાં પડવાને બદલે સંવાદ થકી સમાધાન કરવું જોઈએ અને આ સમસ્યાનો સુખદ અંત આવવો જોઈએ.’
કચ્છના મહારાણીએ રૂપાલાના નિવેદનને નિંદનીય ગણાવ્યો
કચ્છના મહારાણી પ્રીતીદેવીએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે કરેલા નિવેદનને નિંદનીય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રિય જ્ઞાતિની બહેન દીકરીઓ માટે જે નિવેદન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે, કોઈપણ સંજોગોમાં સ્વીકૃત કરી શકાય નહીં. રાષ્ટ્રભુમિ સમગ્ર ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ સહિત સૌનો યોગદાન ઐતિહાસિક છે. ભારત રાષ્ટ્રના નિર્માણમાં રાજા રજવાડાઓનું યોગદાન અતુલનીય છે.તે વચ્ચે આ નિવેદન અયોગ્ય છે.મારો સમર્થન ભાજપને છે પરંતુ જ્ઞાતિની બાબતમાં જ્ઞાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ અક્ષમ્ય છે. તેમની નિષ્ઠા જ્ઞાતિ સાથે છે.આ મુદાનો સુખદ અંત લાવશે તેવી ભાજપ પાસે તેમણે અપેક્ષા મુકી છે.’