Vadodara Corporation : ઉનાળાની ઋતુની શરૂઆતથી જ વડોદરા કોર્પોરેશનને પાણીની વ્યવસ્થામાં ભાંગરો વાટયો છે. એક તરફ પૂર્વ વિસ્તારના 7 લાખથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પાણીથી વંચિત રહ્યા, ફતેગંજ વિસ્તારમાં લાઈન લીકેજ શોધતા અને સુધારતાં દિવસો નીકળી ગયા. બીજી તરફ આજવા રોડ અને અન્ય વિસ્તારોમાં લીકેજથી શુદ્ધ પાણીની ગંગા વહેતી રહી અને અસહાય લોકો ટેન્કર મંગાવવા મોંઘો ભાવ ચૂકવતા રહ્યાં. અધૂરામાં પૂરું લાઇનોના જોડાણ કે જરૂરી સમારકામ ઉનાળા પહેલા કરી લેવામાં ડહાપણ ગણાય. પરંતુ વડોદરા કોર્પોરેશન આવી અગત્યની જળ પુરવઠા કામગીરી માટે ઉનાળુ મુહૂર્ત કાઢે છે અને લોકોને તરસે મરવાનો વારો આવે છે.

 વડોદરા કોર્પોરેશનની વોર્ડ નં.13ની કચેરી જ પાણી વગરની થઈ જતાં ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે. કચેરીના અધિકારીએ જણાવ્યું કે, એકાદ અઠવાડિયાથી પાણીની તકલીફ છે અને પુરવઠા વિભાગને જાણ કરી છે. તેમના દ્વારા સમારકામને લઈને ઓછા દબાણથી પાણી આવશે એવું જણાવવામાં આવ્યું. જો કે પાણી આવતું જ નથી. હજુ સુધી ટેન્કર મોકલવામાં આવ્યું નથી. હકીકતમાં છેલ્લા લગભગ અઠવાડિયાથી આ કચેરીમાં પાણી આવતું નથી. રોજેરોજ નાગરિકો વેરા બિલ ભરવા અને અન્ય કામો માટે કચેરીમાં આવે છે. સ્ટાફ પણ કામ કરે છે. હાલત એ છે કે શૌચાલયમાં પણ પાણી નથી. કોર્પોરેશન  કચેરી જ પાણી વગર ટળવળતી હોય ત્યારે લોકોની હાલાકી અંગે કોણ વિચારશે ? એ સવાલ છે.

બીજી તરફ જેલ રોડ પર વાલ ખુલી જતાં પીવાના ચોખ્ખા પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં હજારો લીટર પાણી લોકોના ઘરોને બદલે ગટરમાં વહી ગયું હતું. સ્થાનિક કોર્પોરેટરએ જણાવ્યું કે, આ સ્થળે વર્ષમાં 6 થી 7 વાર વાલમા મુશ્કેલી સર્જાય છે. પાણી વેડફાય છે અને લોકોના ઘરોમાં પાણી મળતું નથી. તંત્ર કાયમી ઉકેલના કોઈ પગલાં ભરતું જ નથી. ઉનાળામાં પાણી ના મળે એનાથી મોટી કોઈ તકલીફ નથી. જો કે કોર્પોરેશન તો કોઈ પૂર્વ આયોજન કરે છે અને ના કોઈ ચકાસણી રાખે છે. પરિણામે નળમાં પાણી આવતું નથી અને ગટરોમાં પીવાનું હજારો ગેલન પાણી વહી જાય છે. ગત સપ્તાહે જેલ ટાંકી ખાતે પીવાના પાણીની લાઈનનું મરામત કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ અહીં લીકેજ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *