સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેઈલ મળતા જ તાત્કાલિક મોલ ખાલી કરવા માટે સૂચના અપાઈ છે. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી છે. અફરાતફરી વચ્ચે કેટલાક લોકો નીચે પડ્યા હતા. જેને લઈને તેમને ઈજા પહોંચી છે. આ ધમકી ભર્યો મેઈલ આવતા જ ઉમરા પોલીસનો કાફલો, ડોગ સ્ક્વૉડ, બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ મોલ ખાતે દોડી આવી છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મોલ પર આવી પહોંચ્યા છે.
સુરતના VR મોલને મળ્યો ધમકી ભર્યો ઈ-મેઈલ
સુરતના VR મોલને ઈ-મેઈલ આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.’. મહત્વનું છે કે, દેશમાં કુલ 52 જગ્યાઓ પર આ પ્રકારના મેઈલ આવ્યા છે. ધમકી બાદથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ ચેકિંગ ચાલી રહ્યું છે : પોલીસ અધિકારી
પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું કે, ‘VR મોલમાં એક મેઈલ આવેલો છે કે VRમાં કોઈ બોમ્બ મુકવામાં આવેલો છે, જે મોર્નિંગમાં બ્લાસ્ટ થશે. પોલીસની ટીમ, એસઓજી ક્રાઈમ, ડોગ સ્ક્વૉડ સહિતની ટીમ તપાસ થઈ રહી છે. હાલ મોલ ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલી રહ્યું છે. અમારી તમામ ટીમો ચેકિંગ કરી રહી છે.’