જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ગોવાણા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામના બે પિતરાઈ ભાઈઓના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જેથી પરિવારમાં ભારે શોક છવાયો છે. ખેતીકામ સબબ લાલપુર ગયા પછી પોતાના ઘેર પરત ફરતી વખતે આ ગોજારો અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રવીણભાઈ મોહનભાઈ નકુમ નામના 47 વર્ષના ખેડૂત પોતાના ગામમાં જ રહેતા પોતાના પિતરાઈ ભાઈ દેવજીભાઈ સવજીભાઈ નકુમ (40) ને પોતાના બાઈકમાં પાછળ બેસાડી ને ખેતી વિષયક કામ માટે મોટી રાફુદડથી લાલપુર ગામે ગયા હતા, અને ત્યાંથી શનિવારે સાંજે પોતાના ઘર તરફ પરત આવી રહ્યા હતા.

જે દરમિયાન સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ગોવાણા ચોકડી પાસે એક વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલી જી.જે.૧ કે ડબલ્યુ ૧૪૬૬ નંબરની કાર સાથે ટકરાઈ ગયા હતા, અને બંને પિતરાઈ ભાઈઓ લોહી લુહાણ થઈને ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા.

આ અકસ્માતના બનાવ બાદ 108ની ટીમને જાણ કરવામાં આવી હતી, અને 108ની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને બંને ઇજાગ્રસ્તો ને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત્ન કરતાં બંનેના માર્ગમાં મૃત્યુ નીપજ્યા હતા. જેથી બંને પિતરાઈ ભાઈઓના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક દેવજીભાઈ ના ભાઈ અશ્વિનભાઈ સવજીભાઈ નકુમે લાલપુર પોલીસ મથકમાં કારના ચાલક સામે અકસ્માત સર્જી પોતાના ભાઈ તેમજ પિતરાઈ ભાઈના મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવતાં લાલપુરના પી.એસ.આઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે પહોંચી ગઈ હતી, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી હોસ્પિટલમાં બંનેના પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, જ્યારે કારચાલક સામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *