ભાજપને મતદાન નહીં કરવા શપથ, પ્રચાર સભાઓમાં વિરોધ પ્રદર્શન : ઝાલાવાડના માજી રાજવીઓએ વિરોધ દર્શાવ્યો : કટોસણ સ્ટેટના રાજવીએ આવેદન આપ્યું,:  ધાનેરામાં મુખ્યમંત્રીની સભા પૂર્વે ક્ષત્રિય આગેવાનો નજરકેદ  : વઢવાણમાં ભાજપને પ્રવેશબંધી, ગળપાદરમાં ભાજપના ઉમેદવારની સભા અટકાવવા ઉગ્ર દેખાવો થયા

 રાજકોટ, : રૂપાલાના મુદ્દે દિલ્હીમાં ભાજપનું મંથન શરૂ થયું છે ત્યારે બીજી તરફ રૂપાલાની ઉમેદવારી પરત નહીં ખેંચાય તેવા અહેવાલના પગલે ક્ષત્રિયોમાં રોષ વધ્યો છે અને આજે ધ્રોલમાં કેસરી સાડીમાં સજ્જ થઈને ક્ષત્રિય મહિલાઓની વિશાળ રેલી યોજાઈ હતી. ગોંડલ અને લાઠીમાં પણ ક્ષત્રિયોની રેલી યોજાઈ તથા કેટલાક સ્થળે પુતળાદહન, નનામી કાઢવા સહિતના ઉગ્ર કાર્યક્રમો યોજાયા હતા. 

ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને મતદાન નહીં કરવાના શપથ પણ લેવાઈ રહ્યા છે અને હવે ભાજપની જ્યાં પ્રચાર સભા યોજાય ત્યાં વિરોધ પ્રદર્શનનો વ્યુહ પણ અપનાવાયો છે. અનેક સ્થળે ભાજપના પ્રચારમાં જતા વાહનોમાં તથા ભાજપની સભાઓમાં હંગામો કરીને વિરોધ પ્રદર્શન થયા છે. ગાંધીધામના ગળપાદર ગામે આજે ભાજપના ઉમેદવારની સભા પૂર્વે ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો અને સભા યોજવા નહીં દેવાયાનું જણાવાયું છે. 

ધ્રોલમાં હાઈવે ઉપર મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ કેસરી સાડીમાં સજ્જ થઈને જય ભવાની, રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચારો સાથે રેલી યોજી હતી. રેલીમાં ક્ષત્રિયો મોટી સંખ્યામાં જોડાયા હતા. હરધોળ રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી હોય તેના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી પગલા લેવા તથા ટિકીટ રદ કરવા માંગણી કરીને સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ચૂંટણી પ્રચારનો બહિષ્કાર કરવાનું એલાન કરાયું હતું. 

ગોંડલમાં કથિત સમાધાનના નામે જ્યાં ભાજપના ક્ષત્રિય નેતાઓનું સંમેલન યોજાયું તે જ શહેરમાં આજે  ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકીટ રદ કરીને તેના વિરૂધ્ધ ફોજદારી પગલા લેવા માંગણી કરાઈ હતી. જ્યારે રંગપુરમાં રૂપાલાનું પુતળુ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. 

અમરેલી જિલ્લાના લાઠી અને ગઢડા ક્ષત્રિય સમાજ દ્વારા આજે રેલી યોજાઈ તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટયા હતા અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકીટ રદ ન થાય તો દેશભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાશે તેમ જણાવ્યું હતું. 

ક્ષત્રિયો પાસેથી મળતા અહેવાલો મૂજબ સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા હતા. દસક્રોઈ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. કટોસણ સ્ટેટના રાજવીએ પણ જોટાણા તાલુકામાં આવેદનપત્ર આપ્યું હતું. ક્ષત્રિય સમાજ સમર્થન સંદેશામાં ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, લખતર, મુળી, ચુડા, સાયલા એ સાત માજી રાજવીઓ, ઠાકોર સાહેબની સહી સાથે ક્ષત્રિય સમાજની લડતને સંપૂર્ણ ટેકો આપીને રૂપાલાની ભૂલ માફીને પાત્ર નથી તેમ કહીને સરકાર પ્રતિ પ્રજાનો વિશ્વાસ જાળવવા રૂપાલાની ટિકીટ રદ કરે તેમ જણાવાયું હતું. આવતીકાલે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ને ઘેરાવ કરવાની ચિમકીના પગલે ધાનેરામાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો નજર કેદ કરાયાનું જણાવાયું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *