Jamnagar Accident : જામનગરના ઢીંચડા રોડ પર માર્ગમાં એક બાઈક ચાલકને ભૂંડ આડું ઉતરતાં બાઈક સ્લીપ થઈને સિમેન્ટના વિજ પોલ ખાતે ટકરાયું હતું, જેમાં બાઈક ચાલકને માથામાં ગંભીર ઇજા થવાથી અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના વાયુનગર વિસ્તારમાં રહેતો ધારાભાઈ ધાનાભાઈ મસુરા નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે ઢીચડા રોડ પરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એક ભૂંડ એકાએક માર્ગ પર આવીને આડુ ઉતરતાં બાઈક સ્લીપ થયું હતું, અને બાઈક ચાલક ધારાભાઈ રોડ પાસેના એક સિમેન્ટના વીજ પોલ સાથે અથડાઈ પડ્યો હતો અને તેને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી આસપારભાઈ અલાયાભાઈ મસુરાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.