Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જ્યાં વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપે આ ચૂંટણીમાં 400 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જેને લઈને પાર્ટીની નજર દક્ષિણ રાજ્યના વોટબેંક પર છે. આ વચ્ચે ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે ‘સત્તાધારી ભાજપને દક્ષિણ અને પૂર્વ ભારતમાં જબરદસ્ત ફાયદો થવાનો છે. આ વિસ્તારોમાં ભાજપના વોટબેંકમાં વધારો થશે.’
‘બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1 પાર્ટી’
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘વિપક્ષની પાસે ભાજપના રથને રોકવાના ઘણાં અવસર હતા, પરંતુ તેમણે ખોટા નિર્ણયના કારણે અવસરો ગુમાવી દીધા. ભાજપ તેલંગાણામાં અથવા તો પહેલી કે બીજી મોટી પાર્ટી બનીને ઉભરશે, જે એક મોટી વાત છે. તે (ભાજપ) ઓડિશામાં સૌથી વધુ બેઠક જીતશે. પશ્ચિમ બંગાળણાં ભાજપ નંબર એક પાર્ટી બનવા જઈ રહી છે. તમિલનાડુમાં ભાજપના વોટ શેર બે અંકમાં પહોંચી શકે છે. તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર અને કેરળની કુલ લોકસભા બેઠક 204 છે, પરંતુ ભાજપ આ વિસ્તારોમાં 50 બેઠક પણ નથી જીતી શક્યું. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારોમાં 29 બેઠકો મળી હતી તો 2019માં 47 બેઠકો પર જીત મળી હતી. આ ચૂંટણીમાં ભાજપ 370 બેઠકો જીતે તેવી સંભાવના નથી, ચૂંટણી માટે માત્ર એક લક્ષ્ય નક્કી કરાયું છે.’
જગન મોહન રેડ્ડીની વાપસી મુશ્કેલ
આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. આ અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જગન મોહન રેડ્ડી માટે વાપસી કરવી મુશ્કેલ હશે. તેમણે યુવાનોને નોકરી આપવા અથવા રાજ્યના રૂંધાયેલા વિકાસને વધારવા માટે કંઈ ન કર્યું. પ્રશાંત કિશોરે વર્ષ 2019માં જગન મોહન રેડ્ડી માટે કામ કર્યું હતું, તે સમયે તેમની વાયએસઆરસીને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને હરાવી દીધા હતા, જે હવે ભાજપની સહયોગી છે.’
ભાજપ ગત કેટલાક વર્ષોથી દક્ષિણ અને પૂર્વ ભારતમાં આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પાર્ટીના દિગ્ગજ નેતા સતત આ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યોમાં વિપક્ષનો કોઈ મોટો ચહેરો નજરે નથી આવ્યો. ગત પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીએ તમિલનાડુમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અથવા વિપક્ષી નેતાઓની સરખામણીએ વધુ મુલાકાત લીધી છે.
’10 વર્ષમાં સફળતા ન મળી તો બ્રેક લઈ લો’
પ્રશાંત કિશોરે કહ્યું કે, રાહુલ ગાંધી ગત 10 વર્ષથી પાર્ટી માટે પરિણામ લાવવામાં અસમર્થ સાબિત થયા છે. તેમ છતા ન તો બીજાને મોકો આપી રહ્યા છે અને ન તો ખુદ હટી રહ્યા છે. જ્યારે તમે છેલ્લા 10 વર્ષથી એક જ કામ કરી રહ્યા છો તો તેમાં કોઈ સફળતા નથી મળી, તો બ્રેક લેવામાં કોઈ ખરાબી નથી. તેમને આગામી પાંચ વર્ષ માટે આ કામ કોઈ બીજાને આપી દેવું જોઈએ.