સાત માંથી પાંચ બેઠકોમાં વધારો, બે માં ઘટાડો
જશવંતસિંહ, બચુભાઈની હોમ પીચો પર જંગી લીડ મળી
વિધાનસભા કરતા લોકસભાની લીડમાં ભાજપને 1.57 લાખ વોટ વધારે મળ્યા છે

દાહોદ લોકસભાની ચુંટણીમાં ભાજપે 3.33 લાખની જંગી લીડથી જીત મેળવી છે.ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપે સાતેય બેઠકો જીતી હતી પરંતુ આ વખતે વિધાનસભાની ચુંટણીઓ કરતા પાંચ બેઠકોમાં ભાજપાની લીડ વધી છે જ્યારે બે બેઠકોમાં ઘટી છે.તેમાંયે વિધાનસભા કરતા લોકસભાની લીડમાં ભાજપને 1.57 લાખ વોટ વધારે મળ્યા છે.

ક્યારેક કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ બેઠક હવે છેલ્લા 10 વર્ષથી જાણે ભાજપાની જાગીર બની ગઈ હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે એક સમયે કોંગ્રેસના સોમજીભાઈ ડામોરનું આ બેઠક પર સતત 22 વર્ષ પ્રભુત્વ હતુ ત્યારે હવે ભાજપાના જશવંતસિંહ ભાભોર ત્રીજી વખત આ બેઠક પર 3.33 લાખની માતબર લીડથી પુનઃ પ્રસ્થાપિત થઈને ભાજપા અને એનડીએના એન્ટી ઈન્કમબનસીના સમયમા પણ પોતાનુ વર્ચસ્વ જાળવી રાખ્યુ છે.તેવા સમયે વર્ષ 2022ના અંતમા થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં દાહોદ જિલ્લાની તમામ 6 બેઠકો પર ભાજપાને વર્ષ 2002 એટલે કે 20 વર્ષ પછી વિજય પ્રાપ્ત થયો હતો.આ ચુંટણીમાં તમામ બેઠકો પર ભાજપાને નોંધપાત્ર લીડ મળી હતી.તેની સરખામણીએ આ લોકસભાની ચુંટણીમાં ભાજપે સાત માંથી પાંચ બેઠકો પર વિધાનસભા કરતા લીડમાં વધારો કરવામા સફ્ળતા મેળવી છે પરંતુ દાહોદ અને ઝાલોદ બેઠક પર ગત ચુંટણીઓ કરતા ભાજપાનો રકાસ થયો છે.જો કે દાહોદ બેઠક છેલ્લી ત્રણેય લોકસભાની ચુંટણીઓમા ભાજપા માઈનસ હતી ત્યારે પ્રથમ વખત 9500થી વધુ મતોની સરસાઈ મળી છે પરંતુ વિધાનસભા કરતા લીડમા ઘટાડો છે.તેવી જ રીતે ઝાલોદ વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસે ટક્કર આપતા ભાજપાની લીડ ઘટી છે.જે ભાજપા માટે મનોમંથનનો વિષય છે. તેવી જ રીતે સાંસદ જશવંતસિંહ ભાભોરની હોમ પીચ લીમખેડા બેઠક પર ભાજપ વિધાનસભામા ઓક્સિજન પર જીત્યુ હતુ ત્યારે આ બેઠક પર ભાજપે 77 હજાર કરતા વધારે લીડ મેળવી છે અને ભાજપાનો ગઢ અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની વિધાનસભા દેવગઢ બારીઆમા વિધાનસભાની લીડથી બમણાં કરતા પણ વધારે એક લાખથી વધુ રેકોર્ડબ્રેક લીડ અપાવી છે. નોંધનીય બાબત એ છે કે વિધાનસભામા ભાજપાને સાતેય વિધાનસભામા મળીને 1.75 લાખ લીડ મળી હતી તે વધીને લોકસભાની આ ચુંટણીમા ભાજપાને 3.33 લાખની લીડ મળતા 1.57 લાખની વધુ લીડ પ્રાપ્ત થઈ હોવાનુ આંકડા બતાવી રહ્યા છે.

કોંગ્રેસના ગઢ ગરબાડામાં ભાજપ મજબૂત

દાહોદ, ઝાલોદ અને ગરબાડા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.ઝાલોદમા દસ અને દાહોદ,ગરબાડામાં પંદર વર્ષથી કોંગ્રેસનુ શાસન હતુ પણ ગરબાડામાં ધારાસભ્ય પદે મહેન્દ્રભાઈ ભાભોર 27 હજાર મતથી ચુટાયા બાદ તેઓએ આપ સાથે સોગઠાબાજી ગોઠવી અને સંગઠન તેમજ ચુંટાયેલા સાથે સંકલન કરતા લોકસભામાં 47 હજારની લીડ મળી શકી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *