છ
India’s doing good in publishing of Research Paper: ભારત સંશોધનના મોરચે પણ હવે કાઠું કાઢી રહ્યું છે. જી-20 દેશોના સંગઠનમાં ભારતીય સંશોધકો રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં ત્રીજા નંબર પર આવી ગયા છે.
ભારતે આ મોરચા પર બ્રિટનને પણ પાછળ છોડી દીધું છે. ચીનના સરકારી અખબારે પણ ભારતની આ સિદ્ધિના વખાણ કર્યા છે. આ અખબારે લખ્યું છે કે, ‘2022માં ભારતે 2.78 લાખ રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા અને બ્રિટને આ સમયગાળામાં 2.37 લાખ રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યા. બ્રિટન હવે ચોથા નંબર પર ધકેલાઈ ગયું છે.’
નેધરલેન્ડના પબ્લિકેશન હાઉસે પણ આ સંદર્ભમાં પોતાના અહેવાલમાં કહ્યું છે કે, 2012 થી 2022 વચ્ચે ભારતના સંશોધકો દ્વારા પ્રકાશિત થતા વૈજ્ઞાનિક રિસર્ચ પેપરોની સંખ્યામાં 9.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે બ્રિટનનો ગ્રોથ રેટ માત્ર 1.9 ટકા રહ્યો છે. જ્યારે ચીનના સંશોધકો દ્વારા રિસર્ચ પેપરો પ્રકાશિત કરવાનો ગ્રોથ રેટ 9.3 ટકા રહ્યો છે. અમેરિકામાં પ્રકાશિત થતા રિસર્ચ પેપરોની સંખ્યા આ સમયગાળા દરમિયાન માત્ર 0.5 ટકાના દરે વધી છે.
વિશ્વમાં જેટલા પણ રિસર્ચ પેપરો પ્રકાશિત થાય છે તે પૈકીના 75 ટકા રિસર્ચ પેપરો લખનારા જી-20 દેશોના સંશોધકો છે. નેધરલેન્ડના પબ્લિકેશન હાઉસના કહેવા પ્રમાણે ભારતની વસતી 140 કરોડ છે અને તેને જોતા ત્યાં પબ્લિશ થતા રિસર્ચ પેપરોની સંખ્યા અસાધારણ તો ના કહી શકાય પણ મહત્ત્વપૂર્ણ ચોક્કસ છે. તેનો લાંબા ગાળે પ્રભાવ જોવા મળશે.આ આંકડો બતાવે છે કે, વિજ્ઞાન જગતમાં યોગદાન આપવાની ભારતની ક્ષમતા વધી રહી છે. રિસર્ચ પેપરોની વધતી સંખ્યાની સાથે સાથે તેની ગુણવત્તા પણ વધી છે.
2022માં સૌથી વધારે રિસર્ચ પેપરો પબ્લિશ કરનારા દેશોમાં જોકે ચીન પહેલા નંબરે છે અને બીજા દેશો કરતા તેમજ ભારત કરતા પણ ઘણુ આગળ છે.
રિસર્ચ પેપરો પ્રકાશિત કરનારા ટોપ 10 દેશ
ચીન 10.22 લાખ
અમેરિકા 7.21 લાખ
ભારત 2.78 લાખ
બ્રિટન 2.37 લાખ
જર્મની 2.01 લાખ
ઈટાલી 1.53 લાખ
જાપાન 1.42 લાખ
કેનેડા 1.32 લાખ
ઓસ્ટ્રેલિયા 1.25 લાખ
ફ્રાંસ 1.24 લાખ