Road corruption exposed on LED screen : વલસાડ તાલુકાનાં મોટા સુરવાડા ખાતે લાખો રુપિયાના રસ્તાના કામમા ચાલતા ભ્રષ્ટાચારના અખબારી અહેવાલ બાદ ગામનાં યુવાનોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી બીજા ગામોમાં પણ સંદેશો મોકલી લોકોને જાગૃત કરવાં માટે સૌપ્રથમવાર નવતર પ્રયોગ અપનાવી શનિવારે રાત્રે એલઇડી સ્ક્રીન પર કેવી રીતે ભ્રષ્ટાચારનો પર્દાફશ કરવો અને ભ્રષ્ટાચારની તમામ વિગતો ગ્રામજનોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તથા વિડિયોના માધ્યમથી સમજાવી હતી. લોકોને ભ્રષ્ટાચાર સામે લડત આપવાની સમજ આપતાં ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

પગની ઠોકર મારતા જ ડામરનો રોડ ઉખડવા લાગે છે

વલસાડ તાલુકાનાં મોટા સુરવાડામાં સાંસદની ગ્રાન્ટમાંથી 3.3 કિ.મી.નો રસ્તો બનાવવાનું કામ તા.21-5-2024 નાં રોજ શરુ થતા તેમાં હલ્કી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાનો શંકા જતાં ગામલોકોએ રસ્તાની ચકાસણી કરી હતી. હાથથી અને પગની ઠોકર મારતા જ ડામર ઉખડીને વેરવિખેર થઇ જતાં અને રસ્તાની જાડાઈ કેટલીક જગ્યાએ 7.4 સેન્ટીમીટર તો ક્યાંક 5.2 સેન્ટીમીટર હોવાનું જણાતાં આ રસ્તા પર ભ્રષ્ટાચાર થયો હોવાના તા. 29-5-2024ના રોજ અખબારી અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. ત્યાર બાદ ગામનાં યુવાનો અલય પટેલ અને અવિ પટેલે ગામલોકો સાથે ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું હતુ. અને નવતર રીતે ભ્રષ્ટાચારની પોલ આ રીતે ખોલી શકાય છે ? એવો સંદેશો બીજા ગામો તથા તેના ગ્રામજનોને પહોંચાડવાના પ્રયાસ રુપે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. 

અરજી, RTI વગેરે માહિતી ટેકનોલોજી દ્વારા સમજાવામાં આવી

ગત તા. 2જીને શનિવારે મોડી સાંજે ગ્રામજનોની હાજરીમાં નવા રસ્તાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને સૌપ્રથમવાર ટેકનોલોજીની મદદથી LED સ્ક્રીન પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિડિયોના માધ્યમથી સમજાવ્યો હતો. એક પછી એક ગામમાં થયેલા ભ્રષ્ટાચારો સામે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મુખ્ય રસ્તાની અંદર બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર અને તેની વિરૃધ્ધ સત્યની લડત ગામના યુવકો કેવી રીતે લડી રહ્યા છે ? અને તેના સંદર્ભે થયેલી અરજીઓ, આર.ટી.આઈ વગેરેની તમામ માહિતી ટેકનોલોજીના માધ્યમથી ગ્રામજનોને સમજ પડે એવી સરળ ભાષામાં સમજાવી હતી. 

ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી

ઉચ્ચ અધિકારીઓ તેમજ તેમના દલાલો દ્વારા ગ્રામજનોને બાંહેધરી પત્રક પર ખોટી રીતે સહી કરાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો, તેમજ ભ્રષ્ટાચારની નાનામાં નાની વિગત સરળ ભાષામાં રજૂ કરવામાં આવી હતી. બાદમાં ગામના નાનામાં નાના વ્યક્તિએ પણ આ ભ્રષ્ટાચાર વિરુધ્ધ પોતાની હિસ્સેદારી અને મંતવ્ય રજૂ કર્યા હતા. તમામ ગ્રામજનો એક સૂરે આ કાર્યનો વિરોધ કરવા તેમજ ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી હતી. આ કાર્યક્રમની ફળશ્રુતિ એ છે કે, હવે જનતા જનાર્દન સોશિયલ મીડિયાના યુગમાં જાગૃત રહે છે અને આવા નવતર રીતે પણ ભ્રષ્ટાચારની પોલ ખોલી શકાય છે, એવો સંદેશો બીજા ગામો તેમજ ગ્રામજનોને પહોંચાડવાનો એક પ્રયાસ મોટા સુરવાડાના ગ્રામજનોએ કર્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *