લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકોટના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કર્યા બાદ એક નાના કાર્યક્રમમાં તેઓએ કરેલી ટિપ્પણી બાદ મોટો વિવાદ ઉભો થયો છે. સુરત સહિત અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે સાંજે સુરતના ગોપીન ગામ ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ગઈકાલે ખંભાળીયા ખાતે ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા બાદ આજે સુરતના કાર્યક્રમમાં પણ આવી કોઈ હરકત થાય તેવી શક્યતા વધી રહી છે.
પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો માટે કરેલી ટિપ્પણી બાદ સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ સતત વધતો રહેતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ માફી માગી હતી અને ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ ક્ષત્રિયોને મોટું મન રાખીને ભુલી જવા માટે અપીલ કરી હતી. જોકે, ભાજપ દ્વારા માફી માગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયોનો રોષ ઘટવાના બદલે વધી રહ્યો છે. બીજી તરફ ભાજપે ઉમેદવાર બદલવાની મનાઈ જાહેર કરી દેતા આ રોષ વધી રહ્યો છે.
ગઈકાલે રાજકોટના ખંભાળીયા ખાતે ભાજપ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે રેલિંગ તોડીને ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી હંગામો મચાવ્યો હતો અને ખુરશી પણ ઉંધી કરી દીધી હતી. જેના કારણે ગઈકાલે સુરતના ભાજપ કાર્યાલય ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સાથે અન્ય સમાજ દ્વારા વિરોધ કરવાની ભીતી રહેલી છે.
આવી સ્થિતિ વચ્ચે આજે સાંજે વરાછાના ગોપીન ગામ ખાતે પરસોત્તમ રુપાલાના સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામા આવ્યું છે. કાર્યક્રમ પહેલા કેટલાક સમાજ દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધની ચીમકી આપવામાં આવી છે તેના કારણે કાર્યક્રમ પર લોકોનું ધ્યાન ખેંચાયું છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામા આવે તેવી ભીતી છે તેની વચ્ચે આજે સાંજે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેના પર સૌનું ધ્યાન રહેશે.