Rajkot Game Zone Fire: રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી હતી. ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.
18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત
ડીએનએ ટેસ્ટમાં અંદાજે 24 કલાક જેટલો સમય થતો હોય છે. મૃતકોના દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ રાત કાર્યરત છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતા. એવામાં પહેલા જાણીએ ડીએનએ શું હોય છે.
ડીએનએ એટલે શું?
ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓસીરીબોન્યુકલીક એસિડ થાય છે. ડીએનએ આનુવંશિક માહિતીને સંગ્રહિત કરવામાં મદદ કરે છે તો આરએનએ માહિતીના ટ્રાન્સફર અને અભિવ્યક્તિમાં મદદ કરે છે. ડીએનએ એ સજીવનું સૌથી મહત્વપૂર્ણ આનુવંશિક સૂત્ર છે, જે તેમની પાસે આનુવંશિક માહિતી રાખે છે. ડીએનએમાં જીવને લગતી તમામ માહિતી અને જીવન ચલાવવા માટે જરૂરી તમામ સૂચનાઓ હોય છે.
ડીએનએ ટેસ્ટ આઠ તબક્કામાં થાય છે
ડીએનએ સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. ડીએનએ ટેસ્ટના આઠ તબક્કા આ મુજબ છે.
પ્રથમ તબક્કો: ડીએનએ ટેસ્ટ માટે આવેલા નમૂનાઓના એનાલિસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય થાય છે.
બીજો તબક્કો: નમૂનાઓમાંથી ડીએનએ એકટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે.
ત્રીજો તબક્કો: ડીએનએની કવોન્ટિટી અને કવોલિટી ચકાસવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.
ચોથો તબક્કો: ડીએનએ નમૂનાઓનું પી.સી.આર એટલે કે ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.
પાંચમો તબક્કો: ડીએનએ પ્રોફાઈલિંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે.
છઠ્ઠો તબક્કો: મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું એનાલિસીસ કરવામાં આવે છે, જેમાં બેથી ત્રણ કલાક સમય લાગે છે.
સાતમો તબક્કો: એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રિટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે.
આઠમો તબક્કો: આઠમા અને અંતિમ તબક્કામાં ડીએનએ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે.
ભડથું થયેલા મૃતદેહનો ડીએનએ કેવી રીતે કરવામાં આવે છે?
મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થાય ત્યારે શરીરના જે ભાગ પર બળવાની અસર ઓછી થઈ હોય તે ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે. આ નમૂનાને એક યોગ્ય કન્ટેનરમાં જાળવીને ઠંડા તાપમાને શક્ય હોય એટલું જલદી લેબોરેટરીને મોકલી આપવામાં આવે છે.
મૃતદેહો ખૂબ જ બળી ગયા હોય ત્યારે એવું પણ બને કે ડીએનએ સેમ્પલ થકી વ્યક્તિની ચોક્કસ ઓળખ મળે નહીં. આ સ્થિતિમાં ચોક્કસ ઓળખ મળે નહીં ત્યાં સુધી મૃતદેહને ઠંડા તાપમાને સાચવી રાખવામાં આવે છે. આવા મૃતદેહનું ફરીથી પોસ્ટમાર્ટમ કરવામાં આવે છે અને જરૂર પડે તો એ વખતે ફારેન્સિક એક્સપર્ટ પણ હાજર રહે છે.
તેમની સલાહ પ્રમાણે શરીરના અલગ-અલગ ભાગો જેવા કે હાડકું કે દાંત કે દાઢના ભાગમાંથી એક નમૂનો લેવામાં આવે છે. આ નમૂનામાંથી મળેલા ડીએનએ પ્રોફાઇલને સાચવી રાખવામાં આવે છે. મૃતકના નજીકનાં સગાં જેવાં કે માતા-પિતા, સંતાન કે ભાઈ-બહેનના ડીએનએ સાથે સરખાવવામાં આવે છે. જો બંને પ્રોફાઈલમાં સામ્યતા જોવા મળે તો તેના આધારે મૃતદેહની ઓળખ થઇ શકે છે.