Lok Sabha Election 2024 : જામનગર બાર લોકસભાની બેઠકની મતગણતરી માટે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને આગામી 4 જૂનના દિવસે હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જેનું વહીવટી તંત્ર દ્વારા કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે.
જામનગર લોકસભાની બેઠકમાં આ વખતે કુલ 10,48,291 મત પડ્યા હતા, અને પ્રત્યેક વિધાનસભા વિસ્તાર પ્રમાણે મત ગણતરી કરવામાં આવશે. જેમાં કુલ અલગ અલગ 7 રૂમોમાં 98 ટેબલો ગોઠવવામાં આવ્યા છે, અને 27 થી 26 રાઉન્ડ દરમિયાન મતગણતરી હાથ ધરવામાં આવશે.
જેમાં રાઉન્ડ વાઇસ ગણતરી કરવામાં આવે તો 76- કાલાવડ વિધાનસભા વિસ્તારમાં 12 ટેબલ ગોઠવીને 24 રાઉન્ડમાં ગણતરી થશે, જયારે જામનગર ગ્રામ્યમાં 12 ટેબલ ગોઠવીને 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ત્યારબાદ જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 12 બેઠક પર 20 રાઉન્ડમાં મતગણતરી કરાશે, જયારે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પણ 12 ટેબલ ગોઠવીને 17 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 12 ટેબલ ગોઠવીને 23 રાઇન્ડમાં મત ગણતરી કરાશે. જયારે 81-ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં 14 ટેબલો ગોઠવીને 24 રાઉન્ડમાં મતગણના થશે, ઉપરાંત દ્વારકા વિધાનસભા માટે 12 ટેબલ ગોઠવીને કુલ 26 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે.
સૌથી વધુ મત દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 1,57,365 મત પડ્યા છે, જેથી ત્યાં સૌથી વધુ 26 રાઉન્ડમાં મત ગણતરી થશે, જ્યારે સૌથી ઓછા મત જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં 1,35,830 પડ્યા હોવાથી ત્યાં 17 રાઉન્ડમાં મતગણતરી પૂરી થઈ જશે.
જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જામનગર લોકસભાની બેઠકના પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં દરેક ટેબલ દીઠ ત્રણ અધિકારી અને અન્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત 10 ટકા જેટલો સ્ટાફ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. મતગણતરીમાં ફરજ બજાવનારા તમામ અધિકારી અને કર્મચારીઓને કેવી રીતે મતગણતરી થાય, અને શું તકેદારી રાખવી, તેની તમામ તાલીમ આપવામાં આવી છે.