Live In Relationship Case : મધ્યપ્રદેશ હાઈકોર્ટે (Madhya Pradesh High Court) લિવ-ઈન રિલેશનશિપના કેસમાં મહિલાઓને અધિકાર આપવાની દિશામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જો લિવ-ઈન-રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થશે તો મહિલા ભરણ-પોષણ મેળવવા હક્કદાર છે. હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે, જો કોઈ મહિલાના પુરુષ સાથે લાંબો સમય સંબંધો હોય અને પછી તેઓ જુદા થઈ ગયા હોય, તો તે મહિલા મહિલા ભરણ-પોષણ મેળવવા માટે હક્કદાર છે. ભલે તેમણે કાયદેસર લગ્ન કર્યા ન હોય.
હાઈકોર્ટે અરજદાર યુવકની અરજી ફગાવી
વાસ્તવમાં બાલાઘાટ જિલ્લા અદાલતે લિવ-ઈન રિલેશનશીપના કેસમાં મહિલાની તરફેણમાં નિર્ણય આપી અરજદાર શૈલેષ બોપચેને 1500 રૂપિયા ભરણ-પોષણ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ તે આદેશને બોપચેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજદાર યુવક મહિલા સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતો હતો. યુવકે હાઈકોર્ટમાં એવો આધાર રજુ કર્યો હતો કે, મહિલાએ મંદિરમાં લગ્ન થયા હોવાનો દાવો કર્યા બાદ જિલ્લા અદાલતમાં સાબિત કરી શકી નથી, તેમ છતાં તેની અરજી સ્વિકારવામાં આવી. જોકે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી
મહિલાએ બાળકને જન્મ આપ્યો, તેથી ભરણ-પોષણ માટે હક્કદાર: હાઈકોર્ટ
બોપચેના વકીલે કોર્ટમાં કહ્યું કે, મહિલા તેની કાયદેસરની પત્ની નથી, તેથી સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ-પોષણ મેળવવા હક્કદાર નથી. ત્યારે આ કેસમાં ન્યાયાધીશ જી.એસ.અહલૂવાલિયાની બેંચે કહ્યું કે, ‘ટ્રાયલ કોર્ટે એવું કહ્યું નથી કે, મહિલા તેની કાયદેસરની પરિણીત પત્ની છે અને મંદિરમાં લગ્ન થયા હોવાનું સાબિત પણ કરી શકી નથી.’ આ સાથે જ કોર્ટે આદેશમાં કહ્યું કે, ‘ટ્રાયલ કોર્ટે નિષ્કર્ષ આપ્યો છે કે, પુરુષ અને મહિલા લાંબા સમયથી પતિ-પત્નીની તરીકે રહેતા હતા અને મહિલાએ એક બાળકને જન્મ પણ આપ્યો છે, તેથી મહિલા ભરણ-પોષણ માટે હક્કદાર છે.’ સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ ભારપૂર્વક કહ્યું કે, ‘જો કપલ વચ્ચે સંભોગ થયો હોવાના પુરાવા છે, તો ભરણ-પોષણ માટે ઈન્કાર ન કરી શકાય.