Surat Corporation Demolition : સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં ગત સપ્તાહે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન વિરોધ થતાં ટીમ પાછી ફરી હતી. આજે પાલિકાએ પોલીસની મદદ લઈને ટીપી રોડ પર બનેલો સોસાયટીના ગેટનું ડિમોલીશન કર્યું હતું. જોકે, આજે ડિમોલીશની કામગીરી દરમિયાન વિપક્ષના કોર્પોરેટરે સ્થાનિકો સાથે મળી વિરોધ કર્યો હતો. ભાજપ શાસકો બિલ્ડરના ખોળે બેસીને રસ્તો ખુલ્લો કરતા હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો હતો. જોકે, આ કામગીરી દરમિયાન પોલીસે વિપક્ષના કોર્પોરેટર સાથે સોસાયટીના લોકોની અટકાયત કરી હતી. 

સુરત પાલિકા વિસ્તારમાં ટીપી સ્કીમની કામગીરી ઝડપથી થઈ રહી છે અને ટીપી સ્કીમની કામગીરી અંતર્ગત પાલિકાએ ટીપી રોડ ખુલ્લો કરવા તથા પાલિકાના પ્લોટના કબ્જા લેવાની કામગીરી સઘન બનાવી છે. આજે સુરત કામરેજ મુખ્ય રોડ પર ટીપી સ્કીમ નંબર-22માં ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી વરાછા બી-ઝોન દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આર્શીવાદ સોસાયટી આગળ બે ફાઈનલ પ્લોટ છે અને સોસાયટીની વચ્ચેથી ટીપી રોડ પસાર થાય છે. તે રસ્તો દૂર કરવા માટે ગત બુધવારે પાલિકાએ ડિમોલીશનની કામગીરી શરુ કરી હતી. જોકે, સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી ડિમોલિશનની કામગીરી અટકાવી હતી. 

ગત સપ્તાહે ડિમોલિશનની કામગીરી લોકોના વિરોધને અટકી પડી હતી પરંતુ આજે પાલિકાએ પોલીસની મદદથી ડિમોલિશનની કામગીરી શરુ કરી હતી. પાલિકાએ આશીર્વાદ રો-હાઉસમાં 9 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચેલી મહાનગરપાલિકાની ટીમનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેની સાથે વિપક્ષના કોર્પોરેટરો અને કાર્યકરો પણ જોડાયા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા તંત્ર બિલ્ડરોને લાભ પહોંચાડવા માટે આ ડિમોલીશનની કામગીરી કરી રહી છે. 

પાલિકાએ ડિમોલીશનની કામગીરી દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો અને સોસાયટીની કેટલીક મહિલાઓ પાલિકાના જેસીબી સામે બેસી ગઈ હતી. જોકે, પાલિકા તેત્રએ પોલીસની મદદથી વિરોધ કરનારાઓને હટાવીને ગેટનું ડિમોલીશન કરી દીધું હતું. જોકે, આ કામગીરી દરમિયાન ટીપી રોડ પરનો ગેટ દુર કરી દીધો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *