Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં હવે અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણમાં એપીસેન્ટર બની રહ્યું છે. અમરેલી બેઠક લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. ત્યારે અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ભરત સુતરીયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરને ટિકિટ આપી છે. ત્યારે અમરેલી બેઠક પર ઉમેદવારની પસંદગી પહેલી અને પછી ડખો જોવા મળ્યો છે. ત્યારે જાણો આ બેઠક પરના રાજકીય સમીકરણ અને જાતિગત સમીકરણ વિશે…

અમરેલી લોકસભા બેઠકનો ઈતિહાસ

1957 થી 2019 સુધી અમરેલી બેઠક પર કોનો રહ્યો દબદબો?

અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોકસભા બેઠક પર 1957 થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જોકે 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 1991 થી 1999 સુધી જીતતા રહ્યા. જોકે 2004માં કોંગ્રેસના વિરજી ઠુંમરે બાજી મારી હતી. પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું. 2009 થી 2019 સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા હતા. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવામાં આવી છે.

વર્ષજીતેલા ઉમેદવારપક્ષ1957જયાબેન શાહકોંગ્રેસ1962જયાબેન શાહકોંગ્રેસ1967જયાબેન શાહકોંગ્રેસ1971જીવરાજ મહેતાકોંગ્રેસ1977દ્વારકાદાસ પટેલકોંગ્રેસ1980નવીનચંદ્ર રવાણીકોંગ્રેસ1984નવીનચંદ્ર રવાણીકોંગ્રેસ1989મનુભાઈ કોટડિયાજનતા દળ1991દિલીપ સંઘાણીભાજપ1996દિલીપ સંઘાણીભાજપ1998દિલીપ સંઘાણીભાજપ1999દિલીપ સંઘાણીભાજપ2004વીરજી ઠુમ્મરકોંગ્રેસ2009નારણ કાછડિયાભાજપ2014નારણ કાછડિયાભાજપ2019નારણ કાછડિયાભાજપ

અમરેલી લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ

અમરેલી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધારનો સમાવેશ થાય છે. ગારિયાધાર સિવાયની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની સત્તા છે. 

અમરેલી જિલ્લામાં કેટલા મતદારો?

પુરૂષ651407સ્ત્રી607867નાન્યતર જાતિ20કુલ1259294

અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારો વિશે

કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર કોણ છે?

જેનીબેન ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુંમ્મરના પુત્રી છે. જેનીબેન ઠુમ્મર યુવા કોંગ્રેસ નેતા છે. હાલ કોંગ્રેસમાં તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં લોકચાહના છે. ત્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે.

ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા કોણ છે?

ભરત સુતરીયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. તેઓ વર્ષ 1991 થી ભાજપ કેડર છે. તેઓ વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરીયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા. મહત્વનું છે કે, અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા છે.

અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ 

અમરેલી બેઠક પર ભરત સુતરિયાનું નામ જાહેર થતા જ ભાજપમાં અસંતોષ સામે આવ્યો હતો. અમરેલીમાં ઠેરઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરમાં સ્પષ્ટ રીતે ભરત સુતરિયાનો છેદ ઉડાડવાની માગ કરાઇ છે. ઘટનાને પગલે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી દોડાવવામાં આવ્યા હતા. અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. જોકે ઉમેદવાર નહીં બદલાય તેવા દાવાના એક કલાકમાં અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જે કાર્યકરે ઉમેદવાર બદલવાની માગ કરી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ આ મામલો શાંત પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

ડેમેજ કંટ્રોલ માટે અમરેલી જિલ્લા પ્રભારી હકુભા જાડેજાએ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. અમરેલીના પ્રભારી હકુભા જાડેજાએ પહેલા સાંસદ નારણ કાછડિયાના નિવાસસ્થાને બેઠક યોજી હતી ત્યારબાદ બાદ સહકારી બેંકમાં દિલીપ સંઘાણી સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ તરફથી સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે મારામારી થયા બાદ પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *