– કટ્ટરવાદીઓ ફરી ખિલાફત સ્થાપવાનાં સપના જુવે છે
– ગાઝા-યુદ્ધના નામે તેઓ નવી પેઢીને કટ્ટરવાદી બનાવી રહ્યા છે : 22 માર્ચના દિવસે મોસ્કોમાં થયેલો હુમલો તેની પ્રતીતી કરાવી દે છે
નવી દિલ્હી : ૨૨મી માર્ચે મોસ્કોના ક્રોકસ સીટી હોલમાં યોજાઈ રહેલા કોન્સોર્ટ દરમિયાન જેહાદી બંદૂક ધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી ૧૪૦ જેટલા શ્રોતાઓને મોતને ઘાટ ઉતારી દીધા અને પછી તે હોલને સળગાવી દીધો, ત્યારે દુનિયાભરની જાસૂસી સંસ્થાઓ આંચકો ખાઈ ગઈ હતી. વિશેષત: પશ્ચિમની જાસૂસી સંસ્થાઓ તો ઘડીભર શૂન્ય-મનસ્ક બની રહી હતી. તે સંસ્થાઓને એમ હતું કે ઇસ્લામિક કટ્ટરવાદ પાંચ વર્ષ પૂર્વે ખતમ થઈ ગયો છે. પરંતુ તે માન્યતા ઠગારી નીવડી છે. પશ્ચિમને સૌથી વધુ ભય તે છે કે, આ ઇસ્લામિક કટ્ટરવાદ તેમને જ સૌથી પહેલું નિશાન બનાવશે.
આ ભય સૌથી વધુ ફ્રાંસ અને જર્મનીમાં પ્રવર્તે છે. કારણ કે તે બંને દેશો આ વર્ષે જ વિશ્વની સૌથી મોટી રમત સ્પર્ધાઓ યોજવાના છે. તે પૂર્વે ગ્લોબલ ટેરરિસ્ટ ફરી આક્રમક બની રહ્યા છે.
દુનિયાના વિવિધ દેશોની જાસૂસી સંસ્થાઓએ પ્રાપ્ત કરેલી માહિતી પ્રમાણે આ ઇસ્લામિક ત્રાસવાદીઓ ફરી એક વખત મોરોક્કોથી સિંધ સુધી અને મધ્ય એશિયાથી સુદાન સુધી પ્રસરેલી ખિલાફત (ઇસ્લામિક સ્ટેટ) ફરી સ્થાપવાના સ્વપ્ના જોઈ રહ્યા છે. આટલું જ નહીં પરંતુ ઓરોમન સલ્તનત દરમિયાન છેક દક્ષિણ પૂર્વ યુરોપમાં પણ સ્થપાયેલી ઇસ્લામિક સત્તા પુનર્જિવિત કરવા માગે છે.
કટ્ટરપંથી ઇસ્લામિક જેહાદીઓ આ માટે નવ લોહીયા મુસ્લિમોને ગાઝા-પટ્ટીમાં ચાલી રહેલા હમાસ-ઇઝરાયલ યુદ્ધના નામે કટ્ટરવાદી બનાવી રહ્યા છે.
કેટલાક વર્ષો પૂર્વે એક વિશ્લેષણકારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ કટ્ટરપંથીઓ બે વિરોધાભાસી પરિબળોમાં ફસાયેલા છે. એક તરફ તેઓ પૂર્વ ગોળાર્ધના વિશાળ ભાગ ઉપર છવાયેલી ઇસ્લામિક સત્તા ભૂલી શકતા નથી. તો બીજી તરફ અત્યારે દુનિયાના ઇસ્લામિક દેશો સિવાયના લગભગ દરેક ભાગમાં તેઓ એક તરફ મુકાઇ ગયા છે. પરિણામે તેઓ હતાશ થયા છે. આ હતાશા તેમને કટ્ટરવાદ તરફ ફેરવી રહી છે, તેમને મરણીય બનાવી રહી છે. (ફ્રસ્ટ્રેશન હેઝબેડ ધેમ ટુ ડેસ્પરેશન) તેમાં તેલ સમૃદ્ધ દેશો તરફથી તેમને અંડર હેન્ડ તેવો અર્થ અને શસ્ત્રનો ટેકો મળી રહ્યો છે તેથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે.