(6)
જમીનની ઉપરી સપાટીએ ફોલ્ટ સક્રિય, 11 દિવસમાં ફરી ભૂકંપો : ભાવનગર સુધી આંચકા અનુભવાયા : તાલાલામાં લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી ગયા : 3.4ની અને 3.7ની તીવ્રતાના 2 ધરતીકંપ
રાજકોટ, : સૌરાષ્ટ્રના તાલાલા ગીર પંથકમાં બોરવાવ પાસે આજે બપોર બાદ ઉપરાઉપરી બે નોંધપાત્ર તીવ્રતાના ધરતીકંપોથી ધરતી ખળભળી ઉઠી હતી અને લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી ગયા હતા. તાલાલાથી અહેવાલ મૂજબ હિરણવેલ,બોરવાવ ગીર,ધાવાગીર, આંકોલવાડી ગીર, ચિત્રાવડ સહિત ત્રીસેક ગામોમાં આ ભૂકંપની અસર જોવા મળી હતી પરંતુ, કોઈ નુક્શાનના અહેવાલ નથી તો ભાવનગરથી અહેવાલ મૂજબ ગોહિલવાડમાં પણ આ સમયે આંચકા અનુભવાયા હતા.
આઈ.એસ.આર.માં નોંધાયા બાદ આજે બપોરે 3.14 વાગ્યે તલાલાથી 13 કિ.મી.દૂરઉત્તરે બોરવાવ પાસે 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને માત્ર ચાર મિનિટ બાદ બપોરે 3.18 વાગ્યે આ જ વિસ્તારમાં એક કિ.મી.નજીક 3.4નો ધરતીકંપ નોંધાયો હતો. આ બન્ને ધરતીકંપ જમીનથી અનુક્રમે માત્ર 7.2 અને 6.3 કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યા હતા. અર્થાત્ ઉપરી સપાટી પરના આ ધરતીકંપથી જમીન નીચેનો ફોલ્ટ સક્રિય થયાનું કે પોપડો ખસ્યાનું અનુમાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમરેલી, રાજકોટ પંથકમાં પણ આવા ધરતીકંપોનો સિલસિલો શરૂ થયો હતો અને તાલાલામાં ફરી આંચકાઓ શરૂ થતા ગભરાટ ફેલાયો છે. અગાઉ થયેલા સર્વે મૂજબ આ વિસ્તારમાં કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી.
તાલાલા પંથકમાં હજુ અગિયાર દિવસ પહેલા તા. 27-4-2024 ના બપોરે 1 વાગ્યે ઉપરોક્ત સ્થળથી ચારેક કિ.મી. દૂર જમીનમાં 5.9 કિ.મી.ની ઉંડાઈએ 2.7 નો ધરતીકંપ નોંધાયો હતો. આની બે વર્ષ પહેલા તા. 2-5-2022ના પણ આ જ વિસ્તારમાં માત્ર 4.8 કિ.મી. ઉંડાઈએ 4.0ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી.