Lok Sabha Election 2024 : લોકસભાની વડોદરા બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વડોદરા જિલ્લાના 854 ક્રીટીકલ મતદાન મથકો સહિત કુલ 1278 મતદાન મથકો ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.  મતદારો તરફથી મળતી ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. મતદારો તેમની કોઈપણ ફરિયાદો માટે 1800-233-1951 ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે.

 લોકસભાની વડોદરા બેઠકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થાય અને સાથે સાથે મતદારો ને પૂરતી સુવિધા મળી રહે તેને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે મહત્વનું આયોજન કર્યું છે તેમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું હતું કે, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન રાખવા માટે વડોદરા બેઠકના સાત વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સંવેદનશીલ સહિતના મતદાન મથકો પર બાજ નજર રાખવા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને તેનો કંટ્રોલરૂમ વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો છે. કોઈ મતદાન મથક પર કોઈપણ પ્રકારની હિલચાલ થાય તો તુરંત જ સીસીટીવીમાં નિહાળીને તાત્કાલિક પોલીસ ને જાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, હીટવેવની સંભાવનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકો પર પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી, ઓ. આર. એસ. પેકેટ, ચાર ખુરશી અને બેન્ચ, મેડીકલ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત રહેશે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે 65 અને શહેરી વિસ્તારોમાં માટે 33 એમ કુલ 98 મેડીકલ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત મતદાન મથકો ખાતે મતદારોની આરોગ્યની સાચવણી માટે વધારાના રૂમો પણ ખુલ્લા રાખવામાં આવશે, જ્યાં તેઓ બેસી શકશે. શક્ય હોય તો મતદાન મથકે નાના બાળકોને ન લઈ જવા, સુતરાઉ કપડા પહેરવા, માથું ટોપી અથવા દુપટ્ટાથી ઢાંકવું, વધારે માત્રામાં પાણી પીવું જરૂરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *