પનામા, 6 મે,2024, સોમવાર
જોસ રાઉલ મુલીનો (૬૩ વર્ષ) મધ્ય અમેરિકીના દક્ષિણ ભાગમાં આવેલા પનામા દેશની ચુંટણીમાં વિજેતા બન્યા છે. નવાઇની વાત તો એ છે કે જેસ રાઉલ મુલીનોએ ૬ મહિના પહેલા જ રાજકારણમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી હવે તેઓ પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બન્યા છે. ખુદ મુલિનોને આટલા સારા પરિણામની આશા ન હતી પરંતુ તેમના સમર્થકોના ઉત્સાહના લીધે આ પરિણામ તેમની ફેવરમાં આવ્યું હતું.
એક ઐતિહાસિક અને ઉત્તેજનાપૂર્ણ માહોલમાં યોજાયેલી ચુંટણીમાં જોસ સૌથી આગળ નિકળી ગયા હતા. પનામાનું અર્થતંત્ર ખૂબજ નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહયું છે. લોકો મોટા પાયે માઇગ્રેશન કરી રહયા છે. આ બે મુદ્વા ચુંટણી પ્રચારમાં ખૂબ જ મહત્વના હતા. પનામા નહેરને અવરોધરુપ બનતો દુષ્કાળ અને ગેરકાયદેસર ખનીજ ચોરી પ્રવૃતિ પણ સમસ્યા રહી છે.
પનામાની ચુંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ રિકાર્ડો માર્ટિનેલીના સ્થાને છેલ્લી ઘડીએ જોસ ચુંટણી મેદાનમાં ઉતર્યા હતા.માર્ટિનેલીને નાણાકિય ઉચાપતના મામલે ૧૦ વર્ષની જેલની સજા થતા ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો હતો. રવીવારની રાત્રી સુધી ૮૮ ટકા મતોની ગણતરી થઇ હતી. પનામાની ચુંટણી પ્રક્રિયા મુજબ જે ઉમેદવારને સૌથી વધુ મતો મળે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. મુલીનો ચુંટણી પરિણામોની શરુઆતથી આગળ રહયા હતા.