અમદાવાદ,સોમવાર
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ
રહે તે માટે રાજ્યમાં પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં
આચારસંહિતા લાગુ પડયા બાદ પોલીસ ૮૯૭ કરોડની કિંમતનું ડ્રગ્સ અને ૫૧ કરોડ રૂપિયાની કિંમતનો
દારૂનો સહિત મત્તા જપ્ત કરી હતી. તેમજ નાસતા ફરતા ૧૬૭૮ આરોપીઓની ધરપકડ કરી હતી.ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ
રહે તે માટે પોલીસે સઘન આયોજન કર્યું હતું. જેમાં
૯૪ કેસ નોંધીને કુલ ૮૯૪ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે પ્રોહીબીશનના
કેસ કરીને વિદેશી દારૂ, રોકડ અને
વાહનો સહિત ૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાસ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી
લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા ૧૬૭૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ૧૭૪૫
લોકોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે રાજ્યની ચેકપોસ્ટ પર
પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને ૧.૩૩ કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ ડ્રીક એન્ડ
ડ્રાઇવના ૯૬૬ કેસ કર્યા હતા. તેમજ ૫૪૪૩૬ જેટલા
હથિયાર પરવાના ધરાવતા લોકો પાસેથી ૪૮૭૪૩ જેટલા હથિયાર જમા લેવામાં આવ્યા હતા.