Surat Multi-Level Parking Controversy : સુરત પાલિકાના વરાછા ઝોનની ઘોર બેદરકારીના કારણે પાલિકાએ બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ જાન્યુઆરીમાં પૂરો થયો હોવા છતાં હજી સુધી કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગ માટેના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ માસિક પાસ બનાવી લોકો પાસે પૈસા વસૂલવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ મ્યુનિ. કમિશ્નરને કરવામા આવી છે. આ કિસ્સામાં મસમોટું કૌભાંડ અને પાલિકાના અધિકારીઓ પણ સામેલ હોવાનો આક્ષેપ પણ કરવામા આવ્યો છે.
સુરત પાલિકાએ ટ્રાફિક સમસ્યા ઘટાડવા સાથે પાલિકાની આવક થાય તે માટે શહેરમાં અનેક જગ્યાએ મલ્ટીલેવલ પાર્કિંગ અને પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપ્યા છે. પરંતુ આ કામગીરીમાં પોલકાના અધિકારીઓના મેળાપણા કે ગંભીર બેદરકારી કરવામાં આવી રહી હોવાની વધુ એક ફરિયાદ બહાર આવી છે. સુરત પાલિકાના વરાછા ઝોનમાં ટીપી સ્કીમ નંબર ચારમાં આવેલ M3 મલ્ટી લેવલ પાર્કિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આ કોન્ટ્રાક્ટ જાન્યુઆરી 2024માં પુરો થઈ ગયો છે. કોન્ટ્રાક્ટ પુરો થયાં બાદ નવો કોન્ટ્રાક્ટ અપાયો ન હોવાથી પાલિકાએ ફ્રી પાર્કિંગના બોર્ડ લગાવી દેવા જોઈતા હતા. પાલિકા તંત્ર દાવો પણ કરે છે કે ફ્રી પાર્કિંગના બોર્ડ લગાવાયા છે. પરંતુ સ્થળ પર હકીકત કંઈ જુદી જ હોવાની ફરિયાદ બહાર આવી છે.
સુરતના આપના નેતા દિનેશ કાછડીયાએ પાલિકા કમિશ્નરને એક પત્ર લખીને આ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટમાં ખોટું થઈ રહ્યું હોવાની લેખિત ફરિયાદ પુરાવા સાથે કરી છે. તેઓએ કહ્યું છે કે જાન્યુઆરી માસમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં પણ મલ્ટી લેવલ પાર્કિંગમાં કોઈ ઈસમ દ્વારા બીજો ત્રીજો ચોથો અને પાંચમો મહિના સુધીના લોકો પાસે રૂપિયા લઈ લીધા છે અને પાસ પણ બનાવી આપવામાં આવ્યા છે. આ ઘટના ગંભીર છે પાલિકાના નામે પૈસા કોણ ઉઘરાવી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ અને આ માટે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા જોઈએ તેવી માગણી કરી છે.
છેલ્લા ત્રણ મહિનાથી વરાછા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતાં પૈસા વસુલવામાં આવી રહ્યાં છે તે કોણ છે અને જવાબદાર અધિકારી કોણ છે તે શોધવા માટે વિજીલન્સ તપાસ સોંપવી જોઈએ તેવી માગણી કરી છે. આ ઉપરાંત જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં ભરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.