લાખો રૂપિયાના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ
ખેડૂતોએ રેતી અને માટીના સહારે આગને ઓલવવી પડી
સંજેલી APMCની બિલ્ડીંગના મીટરમાં આગ લાગી હતી.
સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની લાખો રૂપિયાના ખર્ચે બનેલી નવીન બિલ્ડીંગના મીટરમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર સેફ્ટી ના અભાવને કારણે વેપારી ખેડૂતોએ રેતી અને માટી ના સહારે આગને ઓલવી પડી હતી.
સંજેલી તાલુકા મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સંજેલી તાલુકાના 57 ગામો સહિત સિંગવડ ઝાલોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના ખેડૂતો સંજેલી માર્કેટમાં અનાજની ખરીદ વેચાણ કરવા માટે આવતા હોય છે. વર્ષો જૂની જર્જરીત બિલ્ડીંગ તોડી પાડી અને લાખો રૂપિયાના ખર્ચે મીટીંગ હોલ, ચેરમેનની ઓફ્સિ અને કર્મચારીઓ માટેની કાર્યાલય સહિતની બહુમાળી બિલ્ડીંગ થોડા દિવસ અગાઉ જ બનાવવામાં આવી છે. જે બિલ્ડિંગમાં અચાનક મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ધડાકા ભડાકા સાથે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પરંતુ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી ના અભાવને કારણે વેપારીઓ તેમજ ખેડૂતોએ તાત્કાલિક આજુબાજુથી રેતી અને માટી ની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
લાખો રૂપિયાના ખર્ચે હાલ જ બનેલી આ નવીન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ના અભાવને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચોમાસુ શિયાળો અને ઉનાળા નો પાક લેતા આ ખેડૂતો અવારનવાર એપીએમસીમાં ખરીદ વેચાણ કરવા માટે આવતા હોય છે. પરંતુ ખેડૂતો માટે બનાવેલો રેનબસેરો પણ લુપ્તકરી દેવામાં આવ્યો છે. શૌચાલય નો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે પક્ષીઓ માટે બનાવેલો ચબૂતરો પણ હાલ નષ્ટ કરી નાખવામાં આવ્યો છે. ખેડૂતોથી થતી આવોકોમાં ખેડૂતોને જ સુવિધાઓ મળતી નથી માત્ર નફ માટે અને કર્મચારીઓ તેમજ વહીવટી તંત્ર માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર ની બિલ્ડીંગ બનાવવામાં આવી હોય તેમ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.