સુરત પાલિકા દ્વારા છેલ્લા કેટલાક વખતથી જાહેર રસ્તા પરના ધાર્મિક સ્થળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે પાલિકાએ લિંબાયત ઝોનમાં રસ્તા પરના બે મંદિરને નોટિસ આપી હતી. મંદિરના સંચાલક દ્વારા તહેવારની ઉજવણી બાદ સ્વૈચ્છિક ડિમોલિશનની ખાતરી આપી હતી. ત્યારબાદ આજે મંદિરના સંચાલક દ્વારા સ્વૈચ્છિક ડિમોલીશન કર્યું હતું.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી રોડ પરના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન લિંબાયત ઝોન વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ અને લિંબાયતમાં સંજય નગર સર્કલ બંને જગ્યાઓ પર બે મંદિરો 45 મીટર રોડ પર દબાણમાં આવતા હતા તેને નોટિસ આપવામાં આવી હતી. મંદિરના સંચાલકોએ મંદિરના ડિમોલીશન માટે થોડો સમય માગ્યો હતો.
હનુમાનજીના મંદિરના સંચાલકો દ્વારા આગામી દિવસોમાં આવતી રામ નવમી અને હનુમાન જયંતિના તહેવારોને ધ્યાનમાં રાખી થોડો સમય માંગ્યો હતો અને બાદમાં તેઓએ સ્વેૈચ્છિક ડિમોલિશનની ખાતરી આપી હતી. જેથી લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા બંને મંદિરના સંચાલકોને સમય આપ્યો હતો. હનુમાન જયંતિ સહિતના તમામ તહેવાર પૂર્ણ થતાં સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન ટીમ દ્વારા આજે બંને મંદિરના સંચાલકો સાથે મળી સ્વેૈચ્છિક ડીમોલીશનની કામગીરી શરુ કરી હતી.