– ઝાલાવાડમાં લીંબુના ભાવમાં ત્રણ ગણો વધારો 

– વઢવાણ યાર્ડમાં લીંબુની દૈનિક 50 મણની આવક, ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટને અસર   

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૃઆત થતાં જ લીંબુના ભાવમાં તોતીંગ વધારો નોંધાયો છે. લીંબુના અગાઉ જે ભાવ ૫૦ થી ૬૦ રૃપિયા પ્રતિ કિલોના હતા, તે ભાવ હાલ ૧૭૦ થી ૨૦૦ સુધી પહોંચી જતાં ભાવમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. તો બીજી બાજુ લીંબુની આવકમાં ૫૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

ઉનાળાની સીઝનમાં લોકો ગરમીથી રાહત મળે તે માટે લીંબુ સરબત તેમજ ઠંડા પીણા વધુ પીવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૃઆતમાં જ લીંબુની આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં હાલ દૈનિક ૫૦ મણ જેટલી લીંબુની આવક થઈ રહી છે.

અગાઉ દરરોજ ૧૦૦ મણથી વધુ લીંબુની આવક થતી હતી. જેમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાતા તેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. લીંબુના ભાવ અગાઉ રૃપિયા ૫૦ થી ૬૦ પ્રતિ કિલો હતા તે ભાવમાં ત્રણ ગણો વધારો નોંધાતા હાલ લીંબુના પ્રતિ કિલોના ભાવ રૃપિયા ૧૭૦ થી ૨૦૦ સુધી પહોંચી ગયા છે. 

અગાઉ માવઠાના કારણે લીંબુના પાકને અસર થતાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.  ત્યારે ઉનાળાની શરૃઆતમાં જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળતા હોલસેલ તેમજ રીટેઈલ વેપારીઓને ઘરાકી નહિ રહેતા હાલાકી પડી રહી છે. તો એકંદરે લીંબુ મોંઘા થઈ જતા લોકો હવે લીંબુ સરબત કે અથાણા અને જમવામાં તેનો ઉપયોગ ટાળી રહ્યા છે. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *