– ભાજપ વિરૃદ્ધ મતદાન કરવા રણનીતિ તૈયાર કરી
– સાત દિવસના પ્રતિક ઉપવાસ બાદ રાજવીઓની ઉપસ્થિતિમાં પારણા કરાવાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરશોત્તમ રૃપાલાના વિરોધમાં છેલ્લા ૭ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. જેમાં દરરોજ ક્ષત્રિય સમાજની અલગ અલગ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેસી વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. ત્યારે ૭ દિવસ બાદ મહિલાઓને પારણા કરાવતા ઉપવાસનો અંત આવ્યો હતો.
પરસોત્તમ રૃપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ટિકિટ રદ કરવામાં ના આવતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરૃધ્ધ મતદાન કરવાના નિર્ણય સાથે આંદોલન પાર્ટ-૨ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૃપે શહેરના દાળમીલ રોડ પર આવેલ શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં દરરોજ રામધુન, યજ્ઞા, આનંદનો ગરબા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સતત ૭ દિવસ સુધી દરરોજ ક્ષત્રિય સમાજની અલગ-અલગ ૨૦થી વધુ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ કરી રહ્યાં હતાં. ત્યારે ૭ દિવસના ઉપવાસ બાદ સાંજે વઢવાણ સ્ટેટ અને મુળી સ્ટેટના પરિવારની ઉપસ્થિતિમાં મહિલાઓને પારણા કરાવવામાં આવતાં ઉપવાસનો અંત આવ્યો હતો.
જો કે આગામી નવી રણનીતી નક્કી કરવામાં આવી હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરૃધ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.