Lok Sabha Elections 2024 | પાદરા તાલુકાના જાસપુર ગામે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે જતાં ગામના ક્ષત્રિય સમાજના યુવાનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ રૂપાલા વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી કાળા વાવટા ફરકાવી ભાજપના ઉમેદવાર અને કાર્યકરોને ગામમાં પ્રવેશવા નહીં દેતાં સમગ્ર કાફલો વિના પ્રચાર કર્યે પરત ફર્યો હતો.
છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પાદરા તાલુકાના 22 ગામોમાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના જનસંપર્કનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. જે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના શહેર અને તાલુકાના કાર્યકરો સાથેનો કાફલો જાસપુર ગામના પ્રવેશદ્વાર પાસે પહોંચતા ગામના ક્ષત્રિય સમાજના યુવકોએ તેમને અટકાવી ગામમાં પ્રવેશવા દીધા નહતાં.
દરમિયાન યુવાનોએ પરુશોત્તમ રૂપાલાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરી રૂપાલા અને ભાજપની હાય..હાય..ને નારા લગાવ્યા હતા. જેને લઈને માહોલ તંગ બની ગયો હતો. જશુભાઈ રાઠવા અને ધારાસભ્યે યુવાનોને સમજાવવાના ભરપુર પ્રયત્નો કર્યા છતાં યુવાનો ટસના મસ ના થતાં આખરે સમગ્ર કાફલાને પ્રચાર વિના વિલા મોંઢે પાછા ફરવું પડયું હતું. બનાવ અંગે પાદરા પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો પણ જાસપુર ગામે આવી પહોંચ્યો હતો. તેમજ પોલીસે યુવાનોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.