– બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામમાં શોકની લહેર

– સાઉથ કેરોલિના જતી મહિલાઓની પૂર ઝડપે જતી કાર ચાર લેનનો ટ્રાફિક પાર કરી 20 ફૂટ ઊંચી ઊછળી વૃક્ષો પર પહોંચી

– બોરસદ તાલુકાના વાસણાની ગંભીર રીતે ઘાયલ મહિલા કામિનીબેન પટેલ હોસ્પિટલમાં દાખલ

-રેખાબેન

– સંગીતાબેન

– મનીષાબેન

ગ્રીનવિલે : અમેરિકામાં દક્ષિણ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણ મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ એક જ પરિવારની હતી. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતી ચારેય મહિલાઓ આઉટિંગ માટે દક્ષિણ કેરિલોના જતી હતી ત્યારે લેકસાઈડ રોડ નજીક ઈન્ટરસ્ટેટ ૮૫ પર સ્ટૌન્ટન બ્રિજ રોડ પર તેમની એસયુવીનો ગંભીર અકસ્માત થયો હતો. સ્થાનિક તંત્ર મુજબ ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો.

મૂળ આણંદની ગુજરાતી મહિલાઓ શુક્રવારે બપોરે દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં ઈન્ટરસ્ટેટ-૮૫ પર એસયુવીમાં જઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડના કારણે કાર નિયંત્રણ બહાર થઈ જતાં ૪થી ૬ લેન ક્રોસ કરીને ૨૦ ફૂટ ઊંચે ફંગોળાઈ વૃક્ષો પર પડી હતી, જેને પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમ તેમ દક્ષિણ કેરોલિના હાઈવે પેટ્રોલ ટ્રૂપર્સે જણાવ્યું હતું. આ મહિલાઓ એસયુવીમાં ઈન્ટરસ્ટે-૮૫ની ઉત્તર તરફ જતી લેન પરથી પ્રવાસ કરી રહી હતી તેમ ગ્રીનવીલે કાઉન્ટીની કોરોનર ઓફિસનાં ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસે જણાવ્યું હતું.

ગુજરાતમાં બોરસદ તાલુકાના વાસણા(બો) તથા કાવીઠા ગામની મહિલાઓ રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ અમેરીકાના જ્યોર્જિયા ખાતે રહેતી હતી. તેઓ સંબંધી હતી. રેખાબેન અને સંગીતા બેનના પતિઓ દિલીપ પટેલ અને ભાવેશ પટેલ ભાઈઓ છે જ્યારે મનીષા પટેલના પતિ રાજેન્દ્રભાઈ તેમના પિતરાઈ છે. આ મહિલાઓ બોરસદ તાલુકાના વાસણા (બોરસદ) અને કાવિઠા ગામની વતની હતી. તેમના મૃત્યુના સમાચારથી વતનમાં તેમના સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. સંગીતાના પિતા વિઠ્ઠલભાઈ સિવાય પરિવારના બધા જ સભ્યો સાડા ત્રણ દાયકા પહેલાં અમેરિકા સ્થાયી થઈ ગયા હતા. વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે, સંગીતા અમેરિકા ગયા પછી ૨૦ વર્ષમાં ક્યારેય ભારત પરત ફરી નથી જ્યારે તેનો પુત્ર થોડાક મહિના પહેલાં ભારત આવ્યો હતો. વાસણા (બોરસદ)ના નિવાસી નિરંજન પટેલે કહ્યું હતું કે, ત્રણેય મહિલાના ગામમાં શોકસભાનું આયોજન કરાયું હતું. 

આ કાર દુર્ઘટના અંગે ડેપ્યુટી કોરોનર એલિસે કહ્યું કે, મહિલાઓ પ્રવાસ કરતી હતી તે કાર ઓવર સ્પીડમાં હતી અને તે રસ્તાની ડાબી બાજુએથી ફંગોળાઈને ચાર લેનનો ટ્રાફિક કુદાવી ૨૦ ફૂટ ઊંચે ઊછળી કેટલાક વૃક્ષો સાથે ટકરાઈ હતી અને તેમાં ફસાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા સાઉથ કેરોલિના હાઈવે પેટ્રોલિંગ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ સહિત ઈમર્જન્સી ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ વૃક્ષો પરથી કારને ઉતારવામાં આવી હતી. આ અકસ્માતમાં અન્ય કોઈ કાર સામેલ નહોતી તેમજ અન્ય કોઈ રાહદારીને પણ ઈજા થઈ નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *