– વાયનાડ પર રાહુલને જીતાડવા કોંગ્રેસે પીએફઆઈની મદદ લીધી

– કોંગ્રેસે હુબલીમાં નેહાની હત્યા સમયે તુષ્ટિકરણને પ્રાથમિક્તા આપી, બોમ્બ વિસ્ફોટ મુદ્દે સિલિન્ડર ફાટયો હોવાનું કહ્યું

– ઈવીએમના બહાને કોંગ્રેસે દુનિયામાં ભારતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, દેશની સફળતા પર તેમને શરમ આવે છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિયોના અપમાન મુદ્દે ગુજરાતમાં ભાજપ મુશ્કેલ સ્થિતિમાં મુકાયો છે. એક સમયે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલો ક્ષત્રિય સમાજ હવે   ભાજપનો વિરોધ કરતાં ઠેરઠેર દેખાવો કરી રહ્યો છે. આવા સમયમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ ક્ષત્રિયોનું અપમાન કરતા પીએમ મોદીએ રાહુલ ગાંધીને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શહેજાદા ભારતના રાજા-મહારાજાઓને અત્યાચારી ગણાવે છે, પરંતુ નવાબો અને નિઝામોના અત્યાચાર મુદ્દે ચૂપ થઈ જાય છે.

કર્ણાટકના બેલગાવીમાં ચૂંટણી સભાને સંબોધન કરતા રવિવારે નરેન્દ્ર મોદીએ વાયનાડ બેઠક પર રાહુલ ગાંધીને જીતાડવા માટે પ્રતિબંધિત સંગઠન પીએફઆઈની મદદ લેવાનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, શહજાદેનું કહેવું છે કે ભારતના રાજા, મહારાજા અત્યાચારી હતા. તેઓ ગરીબોની જમીન મરજી પડે ત્યારે ઝુંટવી લેતા હતા. કોંગ્રેસના શહજાદાએ છત્રપતિ મહારાજ અને રાણી ચિનમ્મા જેવા મહાન વ્યક્તિત્વોનું અપમાન કર્યું છે. તેમના સુશાસન, તેમની દેશભક્તિ આજે પણ આપણને પ્રેરિત કરે છે.

તેમણે સવાલ કર્યો કે શહજાદાને મૈસૂર રાજઘરાનાના યોગદાનનો ખ્યાલ છે? કોંગ્રેસના શહજાદાએ નિવેદન સમજી વિચારીને વોટ બેન્કનું રાજકારણ કરવા માટે આપ્યું છે. તેમણે રાજા-મહારાજને તો ખરું ખોટું કહી દીધું, પરંતુ ભારતના ઈતિહાસમાં જે અત્યાચાર નવાબો, નિઝામો, સુલ્તાનોએ કર્યા છે તેમના પર શહેજાદા ચૂપ થઈ જાય છે. 

કોંગ્રેસની તુષ્ટિકરણની માનસિક્તા ખુલીને સામે આવી ગઈ છે. હુબલીમાં કોલેજ કેમ્પસમાં જે થયું તે આખી દુનિયાએ જોયું છે. નેહાના પરિવાર એક્શનની માગ કરતો રહ્યો, પરંતુ કોંગ્રેસ સરકાર તુષ્ટીકરણના દબાણને જ પ્રાથમિક્તા આપતી રહી. તેમના માટે નેહા જેવી પુત્રીઓના જીવનની કોઈ કિંમત નથી. તેમને માત્ર તેમની વોટ બેન્કની જ ચિંતા છે. બેંગ્લુરુના કેફેમાં બોમ્બ વિસ્ફોટ થયો તો પણ તેમને કોઈ ગંભીરતા નથી. તેમણે ત્યાં સુધી કહી દીધું કે ગેસનો સિલિન્ડર ફાટયો હશે.

તેમણે ઉમેર્યું કે, ભારત મજબૂત થાય છે ત્યારે દરેક ભારતીય ખુશ થાય છે, પરંતુ કોંગ્રેસ દેશહિતથી એટલી દૂર થઈ ગઈ છે કે તેને દેશની સિદ્ધિઓ સારી નથી લાગતી. ભારતની દરેક સફળતા પર તેમને શરમ આવે છે. તેમણે ઈવીએમના બહાને આખી દુનિયામાં ભારતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો.

વિપક્ષના અલગ અલગ જૂથોમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેમની આ લડાઈ રસ્તા પર આવી જશે. બધા જ જૂથ પરાજયનું ઠીકરું એકબીજાના માથા પર ફોડતા જોવા મળશે. આ લોકો પહેલા હારતા હતા તો ઈવીએમને જવાબદાર ઠેરવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે એવો તમાચો માર્યો કે હવે તેઓ પરેશાન થઈ ગયા છે. નરેન્દ્ર મોદીએ વારસાગત કર મુદ્દે પર કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. ભાજપ લોકોની સંપત્તિ વધારવા માટે કામ કરે છે ત્યારે કોંગ્રેસ સત્તા પર આવતા લોકોની આવકનો એક્સરે કરાવવાની અને તેમની સંપત્તિ આંચકી લેવાની વાતો કરે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *