અમદાવાદ,
શનિવાર
ગુજરાત એટીએસ દ્વારા નારોલ પાસેથી હથિયારો સાથે ઝડપાયેલા મધ્યપ્રદેશના
જાબુંઆના શિવમ ડામોર અને અન્ય આરોપીઓની પુછપરછમાં શિવમ ડામોરે સૌરાષ્ટ્રમા હથિયાર સપ્લાયનું
મોટું નેટવર્ક બનાવ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં તેણે ૧૦૦થી વધુ હથિયાર સપ્લાય કર્યા
હતા. આ ઉપરાંત, તેની પાસેથી હથિયારની
ખરીદી કરનાર લોકોની યાદી પણ એટીએસને મળી છે. જે તપાસમાં આગામી સમયમાં વધુ મુદામાલ જપ્ત
કરવાની સાથે અન્ય લોકોની ધરપકડ થવાની શક્યતા સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ શિવમ ડામોરે છેલ્લાં એક વર્ષમાં
હથિયાર વેચાણનું નેટવર્ક સેટ કર્યું હતું. પોલીસે તેની પુછપરછમાં ચાર લોકોની ધરપકડ કરી છે.
ત્યારે રાજકોટ, સુરેન્દ્રનગરના
ચોટીલા અને મુળીમાં રહેતા શખ્શોએ શિવમ પાસેથી ૫૦થી વધુ હથિયાર ખરીદી કર્યા હતા. જે
સ્થાનિક લોકોને વેચાણ કર્યા હતા.પોલીસે તેમની પાસેથી હથિયારોની ખરીદી કરનારાઓની માહિતી
એકઠી કરી છે. જેના આધારે અલગ અલગ ટીમ બનાવીને વધુ હથિયાર રીકવર કરવાની કવાયત શરૂ કરી
છે. જ્યારે શિવમની પુછપરછમાં તેની પાસેથી હથિયારોની ખરીદી કરનારાઓની સાત થી વધુ લોકોની
વિગતો મળી છે. શિવમ ડામોર એક હથિયારના ૨૦ થી ૨૫
હજારમાં વેચાણ આપતો હતો. જ્યારે તેની
પાસેથી હથિયારોની ખરીદી કરનારાઓ બજારમાં ૫૦
હજારથી ૭૫ હજારમાં વેચાણ કરતા હતા. એટીએસની અન્ય એક ટીમ જાબુંઆ જઇને આ મામલે
તપાસ કરશે. આમ, ગુજરાતમાં
હથિયાર વેચાણનું મોટું નેટવર્ક ઝડપાયું છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.