– ચરોતરમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો
– ૧ મીમી વરસાદ વરસતા જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત કેરી, ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત
આણંદ જિલ્લામાં ગત સપ્તાહના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનું પ્રમાણ ઘટયું હતું. જો કે બુધવારે આકાશમાંથી વાદળો હટતા પુનઃ એકવાર ગરમીનો પારો ઉંચે ગયો હતો અને ગુરુવારે પણ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો.
જો કે શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને રાજ્યના નર્મદા, તાપી, દાહોદ સહિતના આણંદ જિલ્લામાં પણ એકાએક વહેલી સવારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. આણંદ જિલ્લામાં સવારના આઠ વાગ્યાની આસપાસના સુમારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા.
વાદળોની ગર્જના સાથે આણંદ શહેર તથા અન્ય તાલુકા મથકો ખાતે ઠેર ઠેર હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. સવારના આઠથી દસ વાગ્યાના સમયગાળા દરમિયાન આણંદ તાલુકામાં લગભગ ૧ મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકામાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. ભરઉનાળે જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા અષાઢી માહોલ સર્જાયો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા જિલ્લાવાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળી હતી. જો કે બીજી તરફ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે. કમોસમી વરસાદથી કેરી તથા ઘઉં સહિતના પાકોને નુકશાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખાસ કરીને માવઠાના કારણે ઘઉંના ભાવ ઉંચકાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ હજી સુધી કેરીની આવક પણ મર્યાદિત રહી છે. ત્યારે માવઠાથી કેરીના પાકને નુકશાન થશે તો કેરીના ભાવ પણ ઉંચા જશે તેવી સંભાવના છે.
શુક્રવારના રોજ નોંધાયેલું જિલ્લાનું તાપમાન
મહતમ તાપમાન ૩૮.૨ ડી.સે.
લઘુતમ તાપમાન ૨૭.૪ ડી.સે.
હવામાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા
પવનની ઝડપ ૪.૨/કિ.મી.
સૂર્યપ્રકાશ ૧૧.૫