ઢોરી ગામે વીજ કરંટથી આધેડનું મોત
કોઠારામાં પ્રેમ પ્રકરણમાં યુવાનને ફાંસો ખાઇ જીવ દીધો
ભુજ: પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં બે યુવાન અને એક આધેડના જીવન દિપ બુઝાઇ ગયા છે. ભુજ તાલુકાના સેડાતા ગામે આવેલા ધ વિલામાં સફાઇ કામદારે ફાંસો ખાઇ લીધો હતો. જ્યારે તાલુકાના ઢોરી ગામે વાડી વિસ્તારમાં પાણીની મોટરમાં વીજ કરંટ લાગતાં આધેડનું મોત નીપજ્યું હતું. તો, કોઠારામાં પ્રેમ પ્રકરણને લઇ યુવકે ફાંસો ખાઇ ફાનિ દુનિયા છોડી દીધી હતી.
માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ જારખંડ બાજુના અને સેડાતા ગામે આવેલા ધ વિલા નામના રીસોર્ટમાં સફાઇ કામ કરતા સચિન જયપ્રકાસ સેની (ઉ.વ.૨૬) નામના યુવાને ગુરૂવારના રાતથી શુક્રવારે સવારે સાત વાગ્યા દરમિયાન સ્ટાફ ક્વાર્ટરમાં કોઇ અગમ્ય કારણોસર પંખા પર દોરી વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માનકુવા પોલીસ મથકના તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, મરણજનાર બે ત્રણ દિવસથી ગુમસુમ રહેતો હોવાનું અને પોતાના વતને જવાનુ નક્કી કરી લીધું હતું. દરમિયાન રાત્રીના રૂમ બંધ કરીને આત્મધાતી પગલું ભરી લીધું છે. મરણજનારના મોબાઇલ ડીટેઇલ મેળવા અને આપઘાત પાછળના કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. તો, ભુજ તાલુકાના ઢોરી ગામે રહેતા ૫૮ વર્ષીય હશન આમદ સમેજા ઢોરી સીમમાં પોતાની વાડીમાં ગુરૂવારે સવારે પાણીની મોટર ચાલુ કરવા જતાં ઇલેકટ્રીક શોર્ટ લાગતાં તેમને સારવાર માટે ઢોરી ગામે હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોઠારા ગામે જોગીવાસમાં રહેતા ૧૮ વર્ષના મહેશ રવજીભાઇ જોગી નામના યુવકે ગુરૂવારે રાત્રીના સાડા આઠ વાગ્યે પોતાના ઘરમાં સાડી વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોઠારા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ સબ ઇન્સ્પેકટર જે.જે. રાણાએ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવક પ્રેમ પ્રકરણને કારણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.