બફાટ જારી: મોરબીના ધારાસભ્યે ક્ષત્રિયોને ‘રતનદુખીયા’ કહેતા રોષ : વડગામમાં મીટીંગને અટકાવી,વાગડમાં ભાજપના ઉમેદવારનો ઉગ્ર વિરોધ કરી ચક્કાજામ,ભાવનગરના રાજવી પરિવારે ઉપવાસીઓના પારણા કરાવ્યા
રાજકોટ, : ક્ષત્રિયોનું આંદોલન મંદ પાડવામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને આજે ઠેરઠેર ભાજપના ઉમેદવારો, નેતાઓ પ્રચાર માટે ગયા ત્યાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો કરાયાના અહેવાલો સાંપડે છે. સુરેન્દ્રનગરના લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલતા વેંત જ ક્ષત્રિયો રોષભેર ત્યાં ધસી ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. રાજ્યમાં અનેક સ્થળે ઉગ્રતા વ્યાપ્યાના અને પોલીસ સાથે ઘર્ષણ,ઝપાઝપી,અટકાયતોનો દોર ચાલ્યાનું જાણવા મળે છે.
ભાજપ કાર્યાલય પાસે એક તરફ ભાજપે કોંગ્રેસ હાય હાય અને સામે ક્ષત્રિયોના ટોળાએ રૂપાલા હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચારો કરતા મામલો તંગ બન્યો હતો પરંતુ, બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને અનેક યુવાનોની અટકાયત કરી હતી અને મામલો થાળે પડયો હતો.
મોરબીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલય ઉદ્ધાટન ટાણે કરણી સેનાના યુવાનો ધસી ગયા હતા અને નારેબાજી કરીને વિરોધ કર્યો ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બે-ત્રણ રતનદુખિયા વિરોધ કરી રહ્યા છે તેવી ટીપ્પણી કરતા આ સામે જયદેવસિંહ જાડેજાએ સંભળાવ્યું કે આખો સમાજ વિરોધ કરી રહ્યો છે અને તે તા. 7ના દેખાશે. અમૃતિયાના આ વાણી વિલાસ સામે પણ ક્ષત્રિયોમાં રોષ જાગ્યો હતો. આ ઉમેદવારનો જ્યારે કચ્છના વાગડ વિસ્તારમાં પ્રચાર થતો હતો ત્યારે તેને પણ ક્ષત્રિયોએ અટકાવતા ઉગ્ર ઝપાઝપી થઈ હતી અને ઉમેદવારના ડ્રાઈવરે હાથમાં ધોકો લીધાનાી તસ્વીરો વાયરલ થઈ હતી.
મોરબીના મોટી વાવડી ગામે ક્ષત્રિયોની સભામાં ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો અને ભાજપ સામે જે પણ ઉમદેવાર હોય તેને મત આપવાની ઝૂંબેશ સમગ્ર પંથકમાં ઉપાડાઈ હતી. ક્ષત્રિયોની સાથે અન્ય સમાજના લોકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો,અન્ય સમાજના લોકો એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને મોમીનવાસ ગામે મુસ્લિમ સમાજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ક્ષત્રિય આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
દ્વારકાથી નીકળેલો ક્ષત્રિય અસ્મિતા રથ આજે લાલપુર પહોંચ્યો ત્યારે ભાજપ વિરૂધ્ધ મતદાન કરવા અભિયાન ચાલ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે તમામ જ્ઞાાતિ સમાજના લોકોએ સમુહમાં ભાજપની વિરૂધ્ધ મતદાન કરવાના સોગંદ ખાધા હતા.
ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં મહાકાળી માતાજીના મંદિર પાસે 20 ગામના ક્ષત્રિય તથા અન્ય સમાજના લોકોએ ભેગા થઈને ભાજપ વિરૂધ્ધ પત્રિકા વિતરણ કરવા, ઘરે ઘરે ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા જવાબદારીઓ સ્વીકારાઈ હતી અને મતદાનના શપથ પણ લેવાયા હતા.
ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ ક્ષત્રિયોની પરોક્ષ ચીમકી
ભાજપમાં વિવિધ હોદ્દા ભોગવતા ક્ષત્રિય નેતાઓએ ક્ષત્રિયોના આંદોલન અંગે કશુ બોલવાનું ટાળ્યું છે અને પ્રચારથી પણ દૂર રહેતા હોવાનું સંકલન સમિતિએ જણાવ્યું છે. એક સ્થળે ક્ષત્રિય આગેવાને એવી ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી કે ક્ષત્રિય નેતાઓની જેમ ભાજપ નોંધ લે છે તેમ સમગ્ર સમાજ પણ તેઓ શુ કરી રહેલ છે તેની નોંધ લઈ રહ્યો છે.