રાજ્યમાં ક્ષત્રિય આંદોલનને પગલે સરકારનું ગુપ્તચર તંત્ર એક્શનમાં  : ક્ષત્રિય ધર્મરથ ક્યા ક્યા ગામમાં ફર્યો : આગેવાન કોણ,કેવો પ્રતિસાદ : ક્યા સમાજે ટેકો આપે છે તેની પોલીસ મારફત વિગતો મેળવાય છે 

 રાજકોટ, : ભાજપના પ્રયાસો છતાં ક્ષત્રિયો તેમની માંગમાં ટશના મશ નહીં થતા આંદોલન વિસ્તરી રહ્યું છે ત્યારે  સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાનો પર આઈ.બી. ,પોલીસ વગેરેની સતત વોચ રખાય છે અને કેટલાક નેતાઓ પર માર્કર મુકી દેવાયા છે. તેમજ હાલ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરતા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની રજે રજની વિગતો પણ પોલીસ તંત્ર દ્વારા મેળવાઈ રહી છે. 

કચ્છ સહિતના જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જો પાસેથી ધર્મરથ ક્યા ક્યા ગામોમાં ફેરવવામાં આવ્યો, તેમાં આગેવાન કોણ હતા, ધર્મરથને લોકોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, ક્ષત્રિયો ઉપરાંત અન્ય ક્યા ક્યા સમાજના લોકો તેમાં સાથ આપે છે વગેરે વિગતો મેળવાતી હોવાનું જાણવા મળ્યું છે. 

કોર કમિટિના સૂત્રોએ જણાવ્યું કે અમારૂં મૂળ આંદોલન રૂપાલા સામે જ હતું પરંતુ, ભાજપે તેને નહીં હટાવતા હવે ભાજપ વિરૂધ્ધ છે. પ્રદેશ ભાજપ પ્રમુખે ગઈકાલે જે વાત કરી તેની સાથે અમારી કોઈ સહમતિ નથી. આંદોલન કરતી સમિતિના કોઈ સભ્યો ભાજપને મળતા નથી તેમજ ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોમાંથી કોઈએ પણ અમને કોઈ અપીલ કરી નથી. અને બધાનો એક સૂર છે કે આંદોલનને વળગી રહેવાનું છે. હાલ સમગ્ર રાજ્યમાં ભાજપને હરાવવા માટે તેના પ્રતિસ્પર્ધીને પૂરા જોશથી મહત્તમ મતદાન કરવા શપથ લેવા, રાત્રિ સભાઓ, ભાજપના કાર્યક્રમોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે અને આવતીકાલે  નવો કાર્યક્રમ પણ જાહેર થશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *