જીતુ વાઘાણી ઉવાચ: કેટલાક દેશો પાછલાં બારણેથી રાજ કરવા માટે ભારતમાં બબૂચક સરકાર બેસાડવા માગે છે
જૂનાગઢ, : હાલ લોકસભાની ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે નેતાઓનો રોષ તથા બફાટ સામે આવતા રહે છે. ગઈકાલે સુત્રાપાડામાં ભાજપના ધારાસભ્યએ જાહેરસભામાં સ્વીકાર્યું કે, પાંચ લાખની લીડ નહી થાય, ભાજપના જ પૂર્વ જિલ્લા પ્રમુખે કહ્યું કે, અનેક ફરિયાદો છે તે ચૂંટણી બાદ કરશું, જ્યારે કેશોદમાં પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખે ભારત વિરોધી લોકો બબૂચક સરકાર બેસાડવા માંગતા હોવાનું નિવેદન કરતા કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે.
પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કેશોદમાં જાહેર મંચ પરથી કહ્યંં હતું કે, ‘ભારતના અનેક હિતશત્રૂઓ જે ભારતનું હિત જોતા નથી એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે, એમની વિચારધારાવાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે. વિશ્વના એવા અનેક દેશો જેના નામ નથી આપવા- તમે જાતે સમજી જજો, ભારતના વિરોધી હિતશત્રૂઓને પગપેસારો કરવા છે, અહીંયા પાછલા બારણેથી રાજ કરવું છે એથી બબૂચક સરકારને બેસાડવા માંગે છે, એવા લોકો સક્રિય થયા છે.’ આ નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે. કોંગી આગેવાનોએ વળતો પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપ પાસે કોઈ મુદ્દા ન હોવાથી આવા વિવાદાસ્પદ નિવેદનો કરી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ગઈકાલે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે સભામાં તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ બોલ્યા કે, ‘…પેટી ખુલ્લે ત્યારે ખબર પડવી જ જોઈએ, આમાં કોઈ આડાઅવળુ થશે તો હું બેઠો છું, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મોવડી મંડળે કહ્યું છે કે, ગુજરાતની તમામ સીટ પાંચ લાખ મતથી જીતવી છે, તો એમાં કદાચ લીડ ઘટે આપણી..’ તેમણે જાહેર મંચ પરથી આવું એક રીતે સ્વીકાર્યું હતું. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર તરીકે સોમનાથ બેઠક પરથી ગત ચૂંટણીમાં પરાજિત થયેલ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસીંગ પરમાર જાહેરમાં કહી બેઠા હતા કે, ‘મને પણ અસંખ્ય ફરિયાદો છે, સત્તાની સામે અસંખ્ય ફરિયાદો છે, તમને બધાને પણ અસંખ્ય ફરિયાદો છે પણ આપણી વ્યક્તિગત ફરિયાદો હાલ ભૂલી જવી પડશે.’ આવા નિવેદનથી હાજર સાંસદ સહિતના આગેવાનો તથા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપમાં પણ અંદરો-અંદર કાર્યકરોમાં પણ ભારે નારાજગી અને ફરિયાદો છે તે નક્કી જ છે.