વ્હોટ્સએપ ગ્રૂપમાં  બિભત્સ શબ્દપ્રયોગ ભારે પડી ગયો : SOGએ પકડી પૂછપરછ કરતા પોસ્ટ પોતે કર્યાની કબૂલાત, હજુ અનેક ગ્રુપમાં થતી વાંધાજનક પોસ્ટ પર પોલીસની નજર

જૂનાગઢ, : જૂનાગઢમાં આઈ લવ જૂનાગઢ મારા હૈયે જૂનાગઢનું હિત વોટ્સએપ ગ્રૂપમાં ગઇકાલે બપોરે એક શખ્સે વડાપ્રધાન વિશે બિભત્સ શબ્દ પ્રયોગ સાથેની પોસ્ટ મૂકી હતી. જે એસ.ઓ.જી.ના ધ્યાનમાં આવતા આ શખ્સને પકડી તેની પૂછપરછ કરતા તેણે પોસ્ટ કર્યાની અને બાદમાં ડિલીટ કર્યાની કબૂલાત આપી હતી. આ મામલે SOGએ આ શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હજુ અન્ય ગ્રૂપ પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીના અનુસંધાને જૂનાગઢ SOG દ્વારા હાલ સોશીયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. ગઈકાલે  ‘આઈ લવ જૂનાગઢ, મારે હૈયે જૂનાગઢનું હિત’ નામના વોટ્સએપ ગ્રૂપ પર એક વ્યક્તિએ કોઈ પોસ્ટ મુકી હતી જે પોસ્ટ પર દાતાર રોડ પર રહેતા હૈદર ઈકબાલ કુરેશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર અને અપમાનજનક પોસ્ટ મુકી હતી.

આ પોસ્ટ ડિલીટ કરે એ પૂર્વે એસઓજીની નજરમાં આવી ગઈ હતી. એસઓજીએ દાતાર રોડ પર રહેતા હૈદર ઈકબાલ કુરેશીને પકડી એસઓજી ઓફિસે લાવી મોબાઈલ કબ્જે કરી પુછપરછ કરતા તેણે આ પોસ્ટ તા. 23ના આશરે ચારેક વાગ્યે કરી હતી અને પછી તુરંત ડિલીટ કરી નાખ્યાનું જણાવ્યું હતું. આ શખ્સે તા. 22ના બીજી પોસ્ટ વ્હોરા સમાજ વિશે પણ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેનો મોબાઈલ કબ્જે કર્યો હતો.

આ અંગે એસઓજીના હેડ કોન્સ્ટેબલ અનુરૂધ્ધભાઈ વાંકે હૈદર ઈકબાલ કુરેશી સામે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે આઈપીસી 153 (B),  505(2), 504 અને 201 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ચૂંટણીના સમયમાં અનેક વોટ્સએપ ગ્રૂપ પર આડેધડ રીતના વાંધાજનક પોસ્ટ થઈ રહી છે. જેની પર પણ પોલીસની નજર છે ત્યારે આગામી સમયમાં વાંધાજનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *