કલેક્ટરે અગાઉ માત્ર બેનર હટાવી ફરિયાદ નિકાલ કર્યાનું જાહેર કર્યા બાદ ભાજપ-મંદિરને નોટિસ,સર્વે ઓફિસના રેકોર્ડ તથા બિલ્ડીંગ પ્લાન મૂજબ સભાગૃહ મંદિરનો જ ભાગ હોવાનું પ્રતિપાદિત થયું- કોંગ્રેસ
રાજકોટ, : રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ભાજપે કાર્યકરોને તાલીમ માટેનો કાર્યક્રમ એકાદ માસ પહેલા યોજતા ચૂંટણી પંચના નિયમોનુસાર આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં કલેક્ટર દ્વારા અગાઉ મંદિરના દ્વાર પાસેના બેનર હટાવીને તથા કોડ ઓફ કન્ડક્ટ બદલ કોઈ પગલા નહીં લઈને ફરિયાદનો નિકાલ કરી દેવામ આવ્યાનો રિપોર્ટ કરી દેવાયો હતો જે સામે કોંગ્રેસે વાંધો લઈને પૂરાવા રજૂ કરતા આચારસંહિતાનો ભંગ થયાનું પ્રાથમિક તારણ નીકળયું છે.
આ અંગે અરજદાર કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું કે વહીવટી તંત્રએ એવો ખોટો બચાવ ક્યો હતો કે ભાજપનો કાર્યક્રમ યોજાયો તે સભાગૃહ મંદિર પરિસરમાં આવેલ નથી. વાસ્તવમાં ગૂગલ મેપ, સર્વે ઓફિસનું રેકોર્ડ, મહાપાલિકાના બિલ્ડીંગ પ્લાન વગેરે મૂજબ આ સભાગૃહ મંદિરનો જ એક ભાગ હોવાનું સ્પષ્ટ થયું છે. ઉપરાંત મંદિરના પગથિયા, દ્વાર પાસે પણ પ્રચારાત્મક બેનર્સ લગાડાયા હતા જે આચારસંહિતાનો સ્પષ્ટપણે ભંગ છે. આ રજૂઆત ઓબ્ઝર્વરને કરાતા અંતે કલેક્ટર દ્વારા મંદિર અને ભાજપને નોટિસ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ અને ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્યો, સાંસદો વગેરે હાજર રહ્યા હતા અને મંદિર પરિસરમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સભાગૃહ ભાડે લેવા માટે ભાજપ દ્વારા રૂ. 4100 મંદિરને દાન પેટે પણ અપાયા હતા તેવું તપાસમાં ખુલ્યું હતું.