આચારસંહિતા ભંગની ફરિયાદો અનેક, પગલા કોઈ સામે નહીં  : રૂપાલા સામે રાજ્યભરમાં જેના કારણે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે  તે તથા કિરીટ પટેલની અભદ્ર ટીપ્પણીને ચૂંટણી તંત્રની ક્લીન ચીટ  : માત્ર ભાજપના ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિષે વાણીવિલાસમાં આચારસંહિતાનો ભંગ દેખાયો છે

રાજકોટ, : ભાજપના ટોચના નેતાઓના પ્રયાસો છતાં ક્ષત્રિયોનો રોષ જરા પણ ઠંડો પડતો નથી તે પરસોતમ રૂપાલાના એક માસ પહેલાની રાજા મહારાજાઓ વિષેની એ ટીપ્પણી અને ત્યારબાદ જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે પટરાણીની કુખે ગમે તેવા અવતરે તે રાજા બની જતા તેવી ખોટી અને અભદ્ર ટીપ્પણીથી આખા રાજ્યના અને દેશભરના ક્ષત્રિયોમાં રોષ છતાં આ બન્ને ટીપ્પણીઓ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરતી નથી તેવું પ્રમાણપત્ર રાજકોટ,જુનાગઢના ચૂંટણી તંત્રએ આપી દીધું છે. આચારસંહિતા ભંગની અન્ય ફરિયાદોમાં પણ હજુ કોઈ નક્કર પગલા લેવાયા નથી. 

રાજકોટમાં રૂપાલાએ કરેલા એ નિવેદન કે જેના કારણે ક્ષત્રિયોએ ભાજપ સામે જંગ છેડયો છે તેની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ હતી પરંતુ, જિલ્લા ચૂંટણી તંત્રએ આ ટીપ્પણી કોઈ ચૂંટણી સભામાં ન્હોતી, કોઈ જ્ઞાાતિ કે સમાજ માટે નહીં પરંતુ, રાજા મહારાજા માટે હતી અને આગળ પાછળનો કોઈ સંદર્ભ વિડીયોમાં જોવા મળતો નથી તેમ કહીને  ક્લીન ચીટ આપી દેવાઈ છે.

તો જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે રાજાની પટરાણી વિષે ખોટી  અને અભદ્ર ટીપ્પણી કરી કરી તે અંગે આચારસંહિતા અમલીકરણ અધિકારીએ એવો રિપોર્ટ આપી દીધો કે આ કોઈ વ્યક્તિગત ટીપ્પણી નથી એટલે આચારસંહિતાનો ભંગ થતો નથી.  આશ્ચર્યજનક વાત એ છે કે પોતાના આ ઉચ્ચારણોમાં ભાજપના ખુદ પરસોતમ રૂપાલા અને કિરીટ  પટેલને ગંભીર ભૂલ થયાનો ચોવીસ કલાકમાં જ અહેસાસ થયો છે અને બન્નેએ વિડીયો બનાવીને માફી પણ માંગી છે પરંતુ, તંત્રને તેમાં કોઈ ભૂલ દેખાતી નથી.

આ જ રીતે, રાજકોટમાં કોંગ્રેસ સહિત 14 ઉમેદવારોએ ઉમેદવારી વખતે રૂ।. 300નું સ્ટેમ્પપેપર નિયમોનુસાર વાપર્યું અને માત્ર રૂપાલા અને તેમના ડમી ઉમેદવારે રૂ।. 50નું સ્ટેમ્પ વાપર્યું તે સામે ફરિયાદ થતા તેમાં પણ જિલ્લા તંત્રએ ક્લીન ચીટ આપીને કહ્યું છે કે નવા નિયમ મૂજબ પચાસનો સ્ટેમ્પ પણ ચાલે. 

આ ઉપરાંત રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં અને બાદ ચોટીલા પંથકમાં સૂરજ દેવળ મંદિરમાં ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં રાજકીય કાર્યક્રમો  થયા, અને નિયમ પ્રમાણે મંદિર પરિસરમાં કોઈ રાજકીય કાર્યક્રમો થઈ શકે નહીં અને આ બન્ને કિસ્સામાં ફરિયાદો થઈ છે પરંતુ, હજુ પગલા લેવાના બાકી છે. આ જ રીતે પોરબંદર બેઠક પરના ભાજપના ઉમેદવારનો કાર્યક્રમ માર્કેટ યાર્ડમાં રખાયો તેમાં પણ આચારસંહિતા ભંગ નજરે પડયો નથી. એકમાત્ર, ભાજપમાં ભળેલા ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિષે બફાટ કર્યો છે તેમાં આચારસંહિતા ભંગ થતો હોવાનું તંત્રને દેખાયું છે પરંતુ, હજુ પગલા લેવાયા નથી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *