Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસની મુશ્કેલી વધતી જણાઈ રહી છે. એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે બિહારમાં કોંગ્રેસને ઝટકો લાગે તેવી શક્યાતાઓ છે. અહીં પપ્પુ યાદવે બળવો કર્યો છે. આજે તેમણે પૂર્ણિયા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, 20મી માર્ચે પપ્પુ યાદવે પોતાની પાર્ટી જન અધિકાર પાર્ટી (JAP)ને કોંગ્રેસમાં મર્જ કરી હતી.
કોંગ્રેસ અને આરજેડી માટે મુશ્કેલી!
બિહારમાં બેઠકની વહેંચણીમાં પૂર્ણિયા બેઠક આરજેડીના ખાતામાં ગઈ અને લાલુ-તેજસ્વીને ટિકિટ આપવાને બદલે તેમણે બીમા ભારતીને ટિકિટ આપી, જ્યારે પપ્પુ યાદવ ટિકિટની શરતે કોંગ્રેસમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહ્યું કે, તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસમાં રહેશે કે નહીં? બીમા ભારતીએ ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ પપ્પુ યાદવનો બળવો ચૂંટણી જંગમાં કોંગ્રેસ અને આરજેડી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન
પપ્પુ યાદવે ઘરે પૂજા-પાઠ કરીને પોતાના સમર્થકોને સાથે રોડ પર શક્તિ પ્રદર્શન કરીને ડીસી ઓફિસ પહોંચ્યા હતા અને પૂર્ણિયા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, પપ્પુ યાદવે ચાર દિવસ પહેલા લાલુ પ્રસાદ યાદવને પૂર્ણિયાથી ઉમેદવાર બદલવા ચેતવણી આપી હતી. તેમણે ચોથી એપ્રિલે પૂર્ણિયાથી ઉમેદવારી નોંધાવવાની પણ જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું હતું કે, ‘પપ્પુ યાદવ પૂર્ણિયાથી ઉમેદવારી નોંધાવવાની જીદ છોડી દે. જો તેઓ ઉમેદવારી નોંધાવશે તો કોંગ્રેસ કાર્યવાહી કરશે, કારણ કે કોંગ્રેસના ખાતામાં પૂર્ણિયા બેઠક નથી.’
પૂર્ણિયા બેઠકથી પપ્પુ યાદવ કેમ ચૂંટણી લડવા માગે છે?
પપ્પુ યાદવ પૂર્ણિયા લોકસભા બેઠક પરથી કેમ ચૂંટણી લડવા માગે છે? તેનું કારણ આ બેઠક પર પ્રવર્તતા રાજકીય સમીકરણો છે, જે તેમની તરફેણમાં જણાય છે, તેથી પપ્પુ યાદવ પૂર્ણિયા બેઠક પસંદ કરી છે. પપ્પુ યાદવે પાંચ વખત લોકસભા ચૂંટણી જીતી હતી, પરંતુ પૂર્ણિયા બેઠક પરથી 3 વખત ચૂંટણી જીતી હતી. એકવાર સમાજવાદી પાર્ટીની સીટ પરથી ચૂંટણી જીતી.
આ બેઠકનું જાતીય સમીકરણ શું છે?
પૂર્ણિયા બેઠકના જાતિય સમીકરણની વાત કરીએ તો અહીં 60 ટકા હિન્દુ અને 40 ટકા મુસ્લિમ મતદારો છે. 1.5 લાખથી વધુ યાદવ મતદારો છે. એક લાખથી વધુ ઉચ્ચ જાતિના મતદારો છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના મતદારો પણ છે. આવી સ્થિતિમાં પૂર્ણિયા બેઠક પરથી ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે.