Sandeshkhali Violence: પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ સાથે થયેલા અત્યાચાર મામલે સુનાવણી કરતા કલકત્તા હાઈકોર્ટે આજે મમતા સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ નાગરિકની સુરક્ષાને ખતરો છે તો તેની 100% જવાબદારી શાસક પક્ષની છે.
સંદેશખાલી કેસની સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે જો પીડિતોનું 1% પણ સત્ય છે તો તે સંપૂર્ણપણે શરમજનક છે. ત્યાં જે કંઈ થયું તેની નૈતિક જવાબદારી જિલ્લા વહીવટીતંત્ર અને શાસક પક્ષની છે. કોર્ટે બંગાળ સરકારને વધુમાં કહ્યું કે, જો કોઈ નાગરિકની સુરક્ષા જોખમમાં છે તો તેની 100% જવાબદારી શાસક પક્ષની છે.
કલકત્તા હાઈકોર્ટે સંદેશખાલી સાથે સબંધિત જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ખંડપીઠે આ મામલે દાખલ કરાયેલી કુલ પાંચ PILની સુનાવણી કરી હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે શાહજહાંના વકીલને કડક શબ્દોમાં સવાલો પણ કર્યા હતા.
બે મહિના પહેલા પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં સ્થિત સંદેશખાલી વિસ્તારની કેટલીક મહિલાઓએ તત્કાલીન તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને અન્ય લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા. ભાજપ અને કોંગ્રેસ ઘણા મહિનાઓ સુધી TMC પર પ્રહારો કરતા રહ્યા. ત્યારબાદ શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. શેખને બાદમાં TMCમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.