IIT Bombay Placement : ગ્લોબલ આઈઆઈટી એલ્યુમની સપોર્ટ ગ્રૂપના ધીરજ સિંહે (Global IIT Alumni Support Group) દેશની ટોચની આઈઆઈટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોકરી અંગેનો મહત્વનો ડેટા શેર કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ વિવિધ આઈઆઈટીઓમાં પ્લેસમેન્ટનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે, જોકે હજુ સુધી 35થી 40 ટકા વિદ્યાર્થીઓને નોકરી મળી નથી.
IITના વિદ્યાર્થીઓને માત્ર વાર્ષિક ત્રણથી ચાર લાખનું પેકેજ
અગાઉ આઈઆઈટીના વિદ્યાર્થીઓને કરોડોની ઓફરો મળતી હતી, જોકે ડેટામાં એમ જણાવાયું છે કે, વિવિધ આઈઆઈટી સંસ્થાઓમાં આ વર્ષે ચાલતા પ્લેસમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓને માત્ર વાર્ષિક ત્રણથી ચાર લાખનું જ પેકેજ મળી રહ્યું છે. ધીરજ સિંહે કહ્યું કે, એકતરફ દેશમાં અબજોપતિઓની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ પેકેજ આપવામાં ઘટાડો થયો છે, જેના કારણે આઈઆઈટીના વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. આ ઉપરાંત દેશના ટોચના યુવા પ્રતિભાઓ માટે પણ આ ખૂબ જ નિરાશાજનક સ્થિતિ છે.
દેશમાં ટોચની આઈઆઈટીઓની સ્થિતિ
તેમણે કહ્યું કે, દેશની નંબર-1 આઈઆઈટી મદ્રાસમાં 900 વિદ્યાર્થીઓ નોકરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજા નંબરની આઈઆઈટી દિલ્હીમાં પ્લેસમેન્ટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા 2000 વિદ્યાર્થીઓમાંથી 900, ત્રીજા નંબરની આઈઆઈટી બોમ્બેમાં રજીસ્ટર્ડ થયેલા 2400માંથી 1300 વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. ડેટા મુજબ દેશમાં ચોથા ક્રમાંકની આઈઆઈટી કાનપુરમાં 500 વિદ્યાર્થીઓ અને પાંચમાં ક્રમાંકની આઈઆઈટી ખડગપુરમાં 1385 વિદ્યાર્થીઓ નોકરીની રાહ જોઈ રહ્યા છે. જ્યારે આઈઆઈટી ઈન્દોરના 49 ટકા વિદ્યાર્થીઓ, આઈઆઈટી પટણાના 41 ટકા અને આઈઆઈટી ભિલાઈના 63 ટકા વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે.
IIT બોમ્બેનાં 36 ટકા વિદ્યાર્થી બેરોજગાર
આઈઆઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ બ્રાન્ચની સૌથી વધુ માંગ છે અને દર વર્ષે બ્રાન્ચના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ મળે છે, જોકે આ વર્ષે 36 ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું નથી. આઈઆઈટી બોમ્બેમાં ગત વર્ષે પ્લેસમેન્ટ હેઠળ કુલ 2209 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા, જેમાંથી 1485 વિદ્યાર્થીઓનો નોકરી મળી શકી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં આઈઆઈટી હેઠળની ઘણી સંસ્થાઓમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દેશ-વિદેશની જાણીતી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત પ્લેસમેન્ટની પ્રક્રિયા મે-2024 સુધી ચાલુ છે, તેથી આશા છે કે, અન્ય વિદ્યાર્થીઓને પણ નોકરીની ઓફર મળી જશે.