ભારતીય કંપનીઓના ચાર મસાલામાં કેન્સરકારક દ્રવ્યો ધરાવતા કેમિકલ મળ્યા બાદ સિંગાપોર (Singapore) અને હોંગકોંગે (Hong Kong) તેના ઉપયોગ મામલે ચેતવણી જારી કરી છે. તેમાં કહેવાયું છે કે, આ મસાલાઓમાં કેન્સર (Cancer) માટેના જવાબદાર ઈથિલિન ઑક્સાઈડ (Ethylene Oxide) નામનો દ્રવ્ય હોવાનું સામે આવ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે, સિંગાપુર અને હોંગકોંગમાં ઈથિલિન ઑક્સાઈડના કારણે જે ભારતીય મસાલા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે, યુરોપમાં જતી ભારતીય ઉત્પાદનોમાં પણ આ કેમિકલ નિયમિત રીતે મળતું આવ્યું છે.

527 ભારતીય ઉત્પાદનોમાં ઈથિલિન ઑક્સાઈડનું દ્રવ્ય

આમ તો યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીને ભારતીય ઉત્પાદનો (Indian Products)ની તપાસ દરમિયાન તેમાં સતત ઈથિલિન ઑક્સાઈડ નામનું દ્રવ્ય મળતું રહ્યું છે, પરંતુ યુરોપીયન એજન્સીએ આ દ્રવ્ય પર પ્રતિબંધ લાદવાના કોઈ ઉપાય શોધ્યા નથી. મીડિયા રિપોર્ટ મુજબ યુરોપિયન યુનિયનમાં ખાદ્ય સુરક્ષા ચકાસતી સંસ્થાએ સપ્ટેમ્બર-2020થી એપ્રિલ-2024માં 527 ભારતીય ઉત્પાદનોમાં ઈથિલિન ઑક્સાઈડ મળ્યાનો દાવો કર્યો છે. આ ઉત્પાદનોમાં 313 અખરોટ અને તલના બીજના ઉત્પાદનો, 60 ઔષધિ-મસાલા, 34 અન્ય ખાદ્ય ઉત્પાદનો તેમજ 26 અન્ય ખાણી-પીણી ઉત્પાદનો સામેલ છે. આ ઉત્પાદનોમાંથી 87 ખેપને બોર્ડર પરથી જ પરત મોકલી દેવાઈ હતી, જ્યારે મોટા ભાગના ઉત્પાદનો માર્કેટમાં આવ્યા બાદ તબક્કાવાર હટાવી દેવાયા છે.  

ઈથિલિન ઓક્સાઇડ શું છે?

ઈથિલિન ઓક્સાઇડ રંગીન ગેસ છે. તેનો ઉપયોગ જંતુનાશક માટે થાય છે. આ દ્રવ્યને મૂળ તબીબી સાધનોને જંતુરહિત કરવા માટે બનાવાયું હતું. એવું કહેવાય છે કે, ઈથિલિન ઓક્સાઇડના સંપર્કમાં આવવાથી લિમ્ફોમા અને લ્યુકેમિયા સહિતના અન્ય કેન્સરનું જોખમ વધી શકે છે.

332 ઉત્પાદનોનો ભારત સાથે સીધો સંબંધ

રૈપિડ એલર્ટ સિસ્ટમ ફૉર ફૂડ એન્ડ ફીડ (RASFF) એક ઑનલાઈન સિસ્ટમ છે અને તે યુરોપીયન દેશોમાં ખાદ્ય સુરક્ષાના માનકો પર નજર રાખે છે. તેના ડેટામાં જણાવ્યા મુજબ, 525 ખાદ્ય ઉત્પાદનો અને બે ફીડ ઉત્પાદનોમાં કેમિકલ હોવાનું સામે આવ્યું છે. આમાંથી 332 ઉત્પાદનોનો ભારત સાથે સીધો સંબંધ હોવાનું પણ કહેવાયું છે, જ્યારે બાકીના ઉત્પાદનોમાં અન્ય દેશોને પણ જવાબદાર ઠેરવાયા છે.

કેન્સરકારક દ્રવ્યો ધરાવતા ઉત્પાદનોની સંખ્યા

ડ્રાય ફ્રૂટ્સ, સીડ્સ – 313ઔધધિઓ, મસાલા – 60ડાયેટિક ફૂડ્સ, ફૂડ સપ્લિમેન્ટ્સ, ફોર્ટિફાઈડ ફૂડ – 48અન્ય ખાદ્ય ઉત્પાદનો – 34અનાજ, બેકરી ઉત્પાદનો – 26ફૂડ એડિટિવ્સ, ફ્લેવરિંગ્સ – 24શાકભાજી, ફળફળાદિ – 10સૂપ, સોસ, સ્વાદ વધારતા મસાલા – 04

ઈથિલિન ગ્લાઈકોલ સૌથી ખતરનાક

રમૈયા એડવાન્સ ટેસ્ટિંગ લેબ્સના સીઈઓ યૂબિન જૉર્જ જોસેફે કહ્યું કે, ગ્રાહકો ઈથિલિન ઑક્સાઈડના સીધા સંપર્ક ઉપરાંત અન્ય બે કેમિકલ પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે. આમાંથી સૌથી ખતરનાક ઈથિલિન ગ્લાઈકોલ છે, જેનો કફ સિરપમાં ઉપયોગ કરાયો હોવાથી આફ્રિકામાં બાળકોના મોત થયા હતા.

ઈથિલિન ઑક્સાઈડથી કયા કેન્સરનું જોખમ?

ઈથિલિન ઑક્સાઈડ DNAનો નાશ કરી શકે છે અને તેનાથી ચોક્કસ કેન્સરનું જોખમ પણ વધી શકે છે. અભ્યાસ મુજબ તેના કારણે લાંબા ગાળો કેન્સર થવાની સંભાવના છે. તેનાથી નોન-હોજનિન લિમ્ફોમા, માયલોમા અને લિમ્ફોસાયટિક લ્યુકેમિયા, સ્તન કેન્સર, મગજનું કેન્સર, ફેફસાનું કેન્સર, કનેક્ટિવ પેશી, ગર્ભાશયની ગાંઠોનું કેન્સર સહિતના કેન્સર થવાનું જોખમ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *