Delhi Excise Policy Case : દિલ્હી લિકર પોલિસી સંબંધીત CBI કેસમાં આરોપો ઘડવા માટે હાલ સુનાવણી શરૂ ન કરવાની માંગ કરતી અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે CBI પાસે જવાબ માંગ્યો છે. તો બીજીતરફ કોર્ટે સીબીઆઈ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયીક કસ્ટડી સાતમી મે સુધી લંબાવી દીધી છે. હવે આ કેસની સુનાવણી સાતમી મેએ હાથ ધરાશે.
કોર્ટ આરોપીના વકીલની હરકતથી નારાજ
સુનાવણી દરમિયાન દલીલ પુરી થતાં જ આરોપીના વકીલ કોર્ટમાંથી બહાર જતા રહ્યા હતા. ત્યારબાદ આ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરતા વકીલે ન્યાયાધીશને કહ્યું કે, ‘અમને કોર્ટ રૂમમાંથી વૉકઆઉટ કરાયા ન હતા. આ મામલે અમે માફી માંગીએ છીએ.’ ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અમે પહેલીવાર આવું વર્તન જોયું છે. તમારી દલીલ પુરી થતાં જ તમે બધા કોર્ટની બહાર જતા રહ્યા. તમારું આ કેવું વર્તન છે કે તમે બધા કોર્ટની મંજૂરી લીધા વગર કોર્ટમાંથી બહાર જતા રહ્યા અને કોર્ટને કહ્યા વગર જતા રહ્યા.’
અરજદારના વકીલે કોર્ટને શું કહ્યું ?
અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે, ‘દિલ્હી લિકર પોલિસી સંબંધીત CBI કેસમાં હજુ સુધી તપાસ ચાલી રહી છે.’ જેના જવાબમાં સીબીઆઈએ તેમની દલીલનો વિરોધ કર્યો હતો. અરજદારના વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે, ત્રણ મહિનામાં તપાસ પુરી કરી દેવાશે, પરંતુ હજુ સુધી તપાસ ચાલી રહી છે. કોર્ટના આદેશ બાદ કેસમાં ધરપકડ કરાઈ અને 164 લોકોનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું. આવી સ્થિતિમાં હાલ આરોપો ઘડવા પર સુનાવણી શરૂ ન કરવી જોઈએ.’
સીબીઆઈએ કોર્ટમાં શું કહ્યું?
બીજીતરફ સીબીઆઈએ આરોપીના વકીલની અરજીનો વિરોધ કરતા કહ્યું કે, ‘કેસમાં જેટલી પણ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે, તે તમામ પર દલીલ કરીશું.’ કોર્ટે દલીલ સાંભળ્યા બાદ કહ્યું કે, ‘અમને હજુ સુધી અરજીની કૉપી મળી નથી. આ કેસમાં આગામી સુનાવણી સાતમી મેએ હાથ ધરાશે.’ ઉલ્લેખનીય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટમાં બુધવાર (24 એપ્રિલ)ના રોજ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની તિહાર જેલથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. સિસોદિયાની ગત વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી.