– વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલી તંગદિલીથી ક્રૂડના ભાવમાં અસ્થિરતા ચાલુ રહી શકે છે

– ભારતમાં જીડીપી વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ, અનેક પડકારો વચ્ચે ભારતનો જીડીપી સાત ટકાથી વધી શકે : આરબીઆઇનો એપ્રિલ મહિનાનો બુલેટિન જારી

મુંબઇ : પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધી શકે છે અને વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલી તંગદિલીને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જળવાઇ રહી શકે છે  તેમ આરબીઆઇએ પોતાના એપ્રિલ મહિનાના બુલેટિનમાં જણાવ્યું છે.બીજીબાજુ દેશના જીડીપી વિકાસ દરનો ગ્રાફ કોવિડ-૧૯ના અગાઉના સમયની જેમ સાત ટકાથી ઉપર જવાના પ્રારંભિક સંકેત મળી રહ્યાં હોવાનો પણ  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલમાં ઉલ્લેખ છે.

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો માર્ચમાં ઘટીને ૪.૯ ટકા રહ્યો છે. આ અગાઉના બે મહિનામાં સરેરાશ રીટેલ ફુગાવોે ૫.૧ ટકા રહ્યો હતો.

રિઝર્વ બેંકે પોતાની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે મુખ્યત્વે રીટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. આરબીઆઇએ ઉંચા ફુગાવાને પગલે ફેબુ્રઆરી, ૨૦૨૩થી પ્રમુખ વ્યાજ દર ૬.૫ ટકા પર સ્થિર રાખ્યા છે.

બુલેટિનમાં પ્રકાશિત સ્ટેટ ઓફ ઇકોનોમી નામના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૪ના પ્રથમ કવાર્ટરમાં વૈશ્વિક વૃદ્ધિની ગતિ યથાવત રહી છે અને વૈશ્વિક વેપાર પરિદ્રશ્ય સકારાત્મક લાગી રહ્યું છે.

મોટા અર્થતંત્રોમાં ટ્રેઝરી યિલ્ડ અને મોર્ટેજના દરો વધી રહ્યાં છે. વ્યાજ દરમાં ઘટાડાની સંભાવનાઓ નબળી પડી રહી છે. ભારતમાં મજબૂત રોકાણ માંગ અને ઉત્સાહિત વેપાર અને ગ્રાહક ધારણાઓને આધારે ભારતમાં વાસ્તવિક જીડીપીના વૃદ્ધિ દરમાં તેજી માટે પરિસ્થિતિ અનુકુળ છે.

કેન્દ્રીય બેંકના આજે જારી થયેલા માસિક બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક વેપાર સકારાત્મક દ્રષ્ટિકોણથી ભારતની નિકાસને વેગ મળવા અને વિકાસમાં તેજી આવવાની આશા છે.

આઇએમએફને આશા છે કે ભારત વૈશ્વિક વિકાસમાં ૧૬ ટકાનો ફાળો આપશે. જે બજાર વિનિમય દરોના આધારે વિશ્વમાં બીજો સૌથી મોટો ફાળો છે. હાલમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને આગામી દસ વર્ષમાં તે જાપાન અને જર્મનીથી આગળ નીકળી શકે છે. 

વૈશ્વિક હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે ૧૮૫૦માં તાપમાન નોંધવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધી ૨૦૨૪નો માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો છે. 

બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે આગામી ૩૦ વર્ષ માટે નક્કી કરવામાં લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે ભારતીય અર્થતંત્રને આગામી દસ વર્ષ સુધી ૮ થી ૧૦ ટકાના દરે વિકાસ કરવો પડશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *